નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર એડમિનિસ્ટ્રેશનને નોટિસ જારી કરી માહિતી માગી છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાને કયા કારણાસર નજરબંધ રાખવામાં આવ્યા છે. કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની નજરબંધીની સામે તેમની બહેન સારા અબદુલ્લા પાયલટની અરજી પર સુનાવણી માટે બીજી માર્ચ નક્કી કરી છે. કોર્ટે કહ્યું હતું કે બીજી માર્ચે આ મામલે સુનાવણી થાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેશન નજરબંધીનાં કારણો વિશે કોર્ટને વિગતવાર માહિતી આપે.
સારાની તરફથી સિનિયર કોંગ્રેસ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ અરુણ મિશ્રા અને ઇન્દિરા બેનરજીની ખંડપીઠની સામે અરજી પર ત્વરિત સુનાવણી માટે દલીલો કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે આ નજરબંધી પ્રત્યક્ષીકરણ અરજી છે, જેથી ત્વરિત સુનાવણીની જરૂર છે. કૃપયા આગામી સુનાવણી આવતા સપ્તાહે રાખો. કોર્ટે અરજીકર્તાના પક્ષને સાંભળ્યા પછી સુનાવણી માટે બીજી માર્ચનો દિવસ નિર્ધારિત કર્યો છે.