યમનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં WHO જનરલ ડિરેક્ટર ટેડ્રોસનો આબાદ બચાવ

ઈઝરાયલ દ્વારા યમનમાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એદનોમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે. ડૉ. ટેડ્રોસ સંયુક્ત રાષ્ટ્ર અને ડબ્લ્યૂએચઓના સહયોગીઓ સાથે વિમાનમાં બેસવા જતા હતા અને એ જ સમયે ઈઝરાયલે હવાઈ હુમલા કરી દીધા. આ દરમિયાન ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સનો એક સભ્ય ઈજાગ્રસ્ત થયો હતો.

WHO ના ચીફ એદનોમે એક પોસ્ટમાં જણાવ્યું કે યુએનના સ્ટાફને બંધક બનાવી લેવાયા બાદ તેમને મુક્ત કરાવવા વાતચીત માટે અમે યમન ગયા હતા. ત્યાં સ્વાસ્થ્ય અને માનવીય સ્થિતિનું આકલન કરવાનું અમારું મિશન ખતમ થઇ ગયું. જ્યારે અમે ફ્લાઈટમાં બેસવા માટે પહોંચ્યા ત્યાં એરપોર્ટ પર બોમ્બમારો કરી દેવાયો. જેમાં અમારા વિમાનના ક્રૂ મેમ્બર્સમાંથી એક તેની લપેટમાં આવી ગયો હતો.  આ મામલે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરેસે હુમલાની આકરી ટીકા કરી અને ઈઝરાયલને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી. આ સિવાય તેમણે ભારપૂર્વક કહ્યું કે નાગરિકો અને માનવતાવાદી વર્કરોને ક્યારેય નિશાન ન બનાવવામાં આવે.