જગતમાં સઘળી સમસ્યાઓનું કારણ છે પ્રેમ! ઈર્ષા નો જન્મ પ્રેમમાંથી થાય છે, લોભ પણ પ્રેમ થકી ઉદભવે છે, કારણ તમે વસ્તુઓને ચાહો છો. તમે ચોકસાઈને વધુ પડતો પ્રેમ કરો છો તો ક્રોધ ઉત્પન્ન થાય છે. તમારી જાતને વધુ પડતો પ્રેમ કરો છો તો અહંકાર અને રુક્ષતા ઉદભવે છે. તો, ઈર્ષા, લોભ, ક્રોધ, અહંકાર, રુક્ષતા આ સઘળું પ્રેમ થકી જ ઉત્પન્ન થાય છે.
પ્રેમમાંથી ઉદભવતો પ્રત્યેક વિકાર, જગતમાં સહુને માટે સમસ્યાઓ ઉભી કરે છે, આ સત્ય છે, પણ તો પછી પ્રેમ વગરના જીવનની શી સાર્થકતા? પ્રેમ વગરનું જીવન તો શુષ્ક, નિરસ અને હતાશાજનક હોય! અહીં પ્રશ્ન એ છે કે, વિકાર મુક્ત પ્રેમની સરળ, સહજ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરવી?
તો અહીં સ્વ વિશે, પોતાના મન વિશે, ચૈતન્ય વિશે અને વિકારના મૂળ વિશેનું થોડું જ્ઞાન સહાયરૂપ થઇ શકશે. સૃષ્ટિમાં દરેક વ્યક્તિ, સર્વે સદગુણો મૂળભૂત રીતે ધરાવે છે જ. માત્ર આ સદગુણોની આડે થોડી અણસમજનું આવરણ આવી ગયું છે. આ આવરણને દૂર કરવાની જ વાર છે બસ!
તો સહુથી અગત્યનું છે, શ્વાસ વિશેનું જ્ઞાન! મનના પ્રત્યેક તરંગને અનુલક્ષીને શ્વાસમાં વિશિષ્ટ લય ઉત્પન્ન થાય છે. અને આ પ્રત્યેક વિશિષ્ટ શ્વાસની લય, મનમાં એક ચોક્કસ ભાવ, સંવેદનનું સર્જન કરે છે. તો તમે તમારાં મનનું નિયંત્રણ શ્વાસ દ્વારા કરી શકવા સમર્થ છો.
ચેતનાની ગહનતામાં આપણે એ જાણીએ જ છીએ, કે આપણે વૃદ્ધ થયાં જ નથી, અને બદલાયાં પણ નથી. આ અનુભવ જ સૂચવે છે કે આત્મા સ્થિર, અટલ છે અને નિરંતર નૂતન છે. શરીર વૃદ્ધ થાય છે, પરંતુ તમારી અંદરનું એક તત્વ છે જે અપરિવર્તનશીલ છે. આ અટલ સ્થિર તત્વ સાથેનું એકય જીવનને અતીવ સુંદર બનાવે છે. આ જ ધ્યાન છે.
હું તમને કહીશ કે જેમ તમે તમારાં વાહનને નિયમિતપણે સર્વિસ કરાવો છો, તેમ તમારી જાતને પણ વર્ષે એક સપ્તાહનો સમય આપો. આ સમય દરમ્યાન તમારી જાતને પ્રકૃતિ સાથે જોડો. સૂર્યોદયની સાથે ઉઠીને, થોડાં વ્યાયામ પછી હળવો આહાર લો, થોડું ગાઓ અને મૌનમાં રહો. પ્રકૃતિ સાથેના સાયુજ્યથી આપણું સમસ્ત તંત્ર નવજીવન પામે છે અને આપણને ઉત્સાહ તથા ઉર્જાથી સભર કરે છે.
એક નિર્ભીક વ્યક્તિ, જે સહુની સાથે આત્મીયતા અનુભવે છે અને જે સતત સ્મિતસભર રહે છે, હું કહીશ કે તે એક સાચા અર્થમાં સફળ વ્યક્તિ છે. સફળતાની શોધમાં આપણે ક્યાંય જવાનું નથી. સફળતાના માર્ગનો પ્રારંભ આપણા શ્વાસથી જ થાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)