જીવન રહસ્યપૂર્ણ છે અને એ રહસ્યોમાનું એક અદ્ભૂત રહસ્ય છે સમય! સમય એક વાર્તાકાર છે અને તેની સાથે સાથે એક સાક્ષી પણ છે. સમય એક એવું નિરપેક્ષ સત્ય છે જે બાહ્ય જગતમાં પ્રત્યેક માટે, સાતત્યપૂર્ણ છે, એકસમાન ગતિથી વહે છે પણ સાથે સાથે તેની ગતિ પ્રત્યેક વ્યક્તિનાં મનની સ્થિતિ ઉપર પણ આધારિત છે, કોઈ વ્યક્તિ માટે સમય ઝડપથી વહે છે અને કોઈ અન્ય વ્યક્તિ માટે જાણે તેની ખૂબ મંદ ગતિ છે. બે ઘટનાઓની વચ્ચેનું અંતર એટલે સમય! એક પરિપ્રેક્ષ્ય પ્રમાણે પ્રતિ ક્ષણ સઘળું પરિવર્તન પામી રહ્યું છે જયારે અન્ય એક પરિપ્રેક્ષ્ય પ્રમાણે કંઈ પણ બદલાતું નથી, સઘળું સ્થિર અને નિશ્ચલ છે. સામાન્ય તર્કશાસ્ત્ર કહેશે કે આ બંને માંથી એક જ સંભવ હોય, ક્યાં તો જગતમાં બધું પરિવર્તન પામે છે ક્યાં તો બધું નિશ્ચલ છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો આ બંને સત્ય છે. નિર્વિવાદ સત્ય છે.
સમય, મન અને ઘટનાઓ આ ત્રણેય જોડાયેલાં છે, એક જટિલ કહી શકાય તેવો સંબંધ તેમની વચ્ચે છે. ઘટનાઓ જેમ મન ઉપર અસર કરે છે તેમ સમય પણ મન ઉપર અસર કરે છે. મોક્ષ શું છે? જયારે આપનું મન, સમય અને ઘટનાઓ થી મુક્ત થઇ જાય તે જ મોક્ષ છે. આપની આસપાસ જે કંઈ ઘટી રહ્યું છે તેની ઉપેક્ષા આપ ન કરી શકો, પરંતુ તે ઘટનાઓ આપનાં મન પર છવાયેલી રહે તે આપના માટે યોગ્ય નથી.
સામાન્યતઃ ભૂતકાળમાં બની ચૂકેલી ઘટનાઓ અને આપના દ્વારા થયેલી ભૂલો, આપનાં મન ઉપર આધિપત્ય જમાવે છે. આપ પીડા અને પશ્ચાતાપની લાગણી અનુભવો છો. સમયની સાપેક્ષે, આ ઘટનાઓને સાચા દ્રષ્ટિકોણથી મૂલવશો તો આપનું મન આ ઘટનાઓમાંથી ઉચિત બોધ પાઠ લઈને, ઘટનાઓની સ્મૃતિથી મુક્ત થઇ જશે. જયારે આપ ગત વર્ષની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને, ઘટનાઓને જતી કરો છો ત્યારે નૂતન વર્ષ એક ઉત્સવ બની જાય છે.
અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાથી એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે, પરંતુ ભીતર જઈને, સ્વયંમાં વિશ્રામ કરવાનો આનંદ પણ અનોખો છે. એક પૂર્ણ જીવન માટે આ બંને પ્રકારના આનંદની ઉપસ્થિતિ હોય તે આવશ્યક છે. અને આ એક કેન્દ્રસ્થ – સ્વયંસ્થિત વ્યક્તિ જ કરી શકશે. કોણ કહે છે કે આધ્યાત્મિકતા કંટાળાજનક છે? જીવનમાં વિરોધાભાસી મૂલ્યોની તલવારની ધાર પર રચાતું સુંદર નૃત્ય એ આધ્યાત્મિકતા છે. આપ એ સ્થિતિમાં છો જયારે “હા” અને “ના” બંને એક સાથે જ, એક જ સમય પર, આપના માટે સત્ય છે, ત્યારે આપના જીવનમાં, અનંત શક્યતાઓનાં પ્રકટીકરણનું , એક નવું જ પરિમાણ ઉદિત થાય છે.
જયારે મન અનંતતાનો અનુભવ કરે છે ત્યારે તે વિસ્મય પામે છે. જયારે આપણે આશ્ચર્યમાં હોઈએ છીએ ત્યારે આપણે જગતને વિશિષ્ટ દ્રષ્ટિથી જોઈએ છીએ, આપણી અવલોકન શક્તિ તીવ્ર બને છે. આશ્ચર્યની આ લાગણી આપણને વર્તમાન ક્ષણમાં લાવે છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ થી આપણું મન મુક્ત બની જાય છે. વિસ્મય આપણી અંદર એક જાગૃતતા ઉત્પન્ન કરે છે અને આ વિસ્મયપૂર્ણ જાગૃતિની અવસ્થામાં આપણે જોઈએ છીએ કે આખું જગત અનેક આશ્ચર્યોથી ભરેલું છે. સૃષ્ટિની ભવ્યતા થી જો કોઈ આશ્ચર્યચકિત નથી થતું તો તેમની આંખો હજુ ખૂલી નથી. આ જાગૃતિની અવસ્થામાં, જયારે વિસ્મયપૂર્વક આંખો બંધ થઇ જાય છે ત્યારે ધ્યાન ઘટિત થાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)