વિપુલ અમૃતલાલ શાહે IPO માટે પેપર સેબીમાં જમા કરાવ્યા

મુંબઈઃ ફિલ્મ અને ટીવી શોના પ્રતિષ્ઠિત પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહની માલિકીની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડે IPO માટે ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઇલ કર્યું છે. DRHPમાં 83.75 લાખ સુધીના Equity Sharesની કુલ ઓફર સાઇઝમાં રૂ. 50 લાખ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ તથા 33.75 લાખ સુધીના ઇક્વિટી શેરોની Offer for Sale (OFS)નો સમાવેશ થાય છે. પ્રમોટર તરીકે વિપુલ અમૃતલાલ શાહ 10,05,800 સુધીના ઈક્વિટી શેરના વેચાણની દરખાસ્ત કરશે.

કંપની આ ઇશ્યુમાંથી મળનારી આવકનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ 1. કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે, 2. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. આ ઉપરાંત કંપની શેરબજારો પર તેના Equity Sharesના લિસ્ટિંગનો લાભ મેળવવા અને કંપનીની વિઝિબિલિટી તથા બ્રાન્ડ ઇમેજ વધારવા તેમ જ ભારતમાં તેના Equity Shares માટે પબ્લિક માર્કેટ ઊભું કરવાની અપેક્ષા ધરાવે છે.

કંપનીએ અત્યાર સુધી 10 કોમર્શિયલ ફિલ્મ, બે વેબ સિરીઝ, બે ટીવી સિરિયલ અને એક શોર્ટ કોમર્શિયલ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ સાથે આ પ્રોડક્શન હાઉસ, જિયો સ્ટુડિયોઝની સાથે બે કોમર્શિયલ ફિલ્મોને કો-પ્રોડ્યુસ કરી રહી છે. કંપની પ્રસાર ભારતી, ધૂરદર્શન માટે માત્ર એક વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ સિવાય ગુડ મોર્નિંગ રિયા, ધ કેરલ સ્ટોરી-2, બુલડોઝર અને સમુક સહિત આઠ ફિલ્મો અને બે વેબ સિરીઝ પ્રોડક્શન માટે પાઇપલાઇનમાં છે.

કંપની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ અને નાણાકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળાથી નફાકારક રહી છે. કંપનીની કામગીરીથી આવકો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 133.8 કરોડ, નાણાકીય વર્ષ 2023માં રૂ. 26.51 કરોડ અને નાણાકીય વર્ષ 2022માં રૂ. 87.13 કરોડ રહી હતી. વર્ષ 2007માં સ્થપાયેલી સનશાઇન પિક્ચર્સ એ ફિલ્મો, ટીવી સિરિયલ્સ અને વેબ સિરીઝની કલ્પના, રચના, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલું પ્રોડક્શન હાઉસ છે.

સનશાઇન પિક્ચર્સ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે જેવાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાજરી ધરાવે છે. યુટ્યુબ પર આજની તારીખે તે 1,62,960 સબ્સ્ક્રાઇબર્સ અને કુલ મળીને 9,18,89,854 વ્યૂઝ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તે કુલ મળીને 1,04,500 જેટલો ફોલોઅર બેઝ ધરાવે છે. આવા પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટના શોર્ટ ફોર્મનું સ્ટ્રીમિંગ પણ કંપનીની આવકમાં વધારો કરે છે.

સનશાઇન પિક્ચર્સનું નેતૃત્વ પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ સંભાળે છે જેઓ એમએન્ડઇ ઇન્ડસ્ટ્રીમાં 24 વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવે છે અને ફિલ્મો, ટીવી સિરિયલ્સ અને વેબ સિરીઝના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર તથા ડિરેક્ટર છે.

જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.