અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ, અંધશ્રદ્ધા કે બેદરકારી?

આધુનિક જમાનામાં અંધશ્રદ્ધા લોકોનો પીછો છોડતી નથી. લોકો ડોક્ટરે કરેલી દવાથી નહીં પરંતુ ભૂવાએ કરેલી તાંત્રિક વિધિથી સાજો થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.

સિવિલ હોસ્પિટલમાં ભૂવાનો વિધિ કરતો વીડિયો વાયરલ થતાં ચારેબાજુથી લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક બાજુ વેન્ટિલેટર પરના દર્દી છે અને ભૂવાએ તેના પર વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. એટલું જ નહીં, ભુવાની વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી છે કે પરિવારજનોની અંધશ્રદ્ધા આવા અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં વાત કરીએ અમદાવાદની તો સિવિલ હોસ્પિટલના ICU વોર્ડ સુધી ભૂવો તાંત્રિક વિધિ કરવા પહોંચી જાય છે. જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયો અંગે સુપ્રીટેન્ડ્ન્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇ.સી.યુ.માં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યુરીટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કર્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે. તેનો દૂર ઉપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છે. વધુમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યું છે તે ઓલરેડી વેન્ટીલેટર પર છે પરંતુ તે વેન્ટરલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઇ રહ્યું છે એટલે કે સાજું થઇ રહ્યું છે. એટલે ભુવા કે અન્ય કોઇ વિધિ, માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજુ થયું છે તે કહેવું અંધશ્રધ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જીંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે. અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યુરીટી દ્વારા પણ રાખવામાં આવે છે. પરંતુ હવે દર્દીના સગા બનીન એ કોટ (ખાટલા) સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઇ તપાસ કરવામાં આવશે.