શું માત્ર નકશા પરથી વાસ્તુ સમજી શકાય?

ઘોંઘાટને ભારતીય સંસ્કૃતિએ ક્યારેય માન્યતા આપી નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘોંઘાટ એ પ્રદુષણ છે અને એના કારણે અનેક રોગ નોતરી શકાય છે એ વાતની જાણ હજારો વરસ પહેલા ભારતના લોકો જાણતા હતા. અને આજે ભારતીય વ્યક્તિ ઘોંઘાટ પ્રિય બની રહ્યો છે. રસ્તા પર કારણ વિના હોર્ન મારવા, ઊંચા અવાજે ગીતો વગાડવા, મોટા અવાજ વાળા ફટાકડા ફોડવા જેવી અનેક બાબતો આપણા મગજના ચેતા તંતુને અસર કરે છે. શું લાઉડ સ્પીકર વિના પૂજા અર્ચના કે ગરબા ન થઇ શકે?  સમગ્ર વિશ્વને શાંતિના પાઠ શીખવાડનાર દેશમાં ઘોંઘાટને પ્રાધાન્ય આપવામાં આવે તે વાત કદાચ અન્ય દેશના લોકોને પણ વિમાસણમાં મૂકી શકે. ઉત્સવ આનંદ કરવા માટે હોય છે. મોજશોખ માટે નહિ. અન્યને નુકશાન થાય એના માટેના નિયમો ભારતીય નથી જ.

મિત્રો, આ વિભાગ અપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: ઘણા વરસો પહેલા એક ફિલ્મ આવી હતી. “ રામ તેરી ગંગા મૈલી.” આ ફિલ્મના નામના લીધે ઘણો વિવાદ થયો હતો. આજે નદીમાં પ્લાસ્ટિક તરતું દેખાય છે ત્યારે લાગે છે કે આપણા લોકોમાં ભારતીય સંસ્કારો ખૂટી રહ્યા છે. હવા, પાણી, ખોરાક, ધ્વની અને વિચારોનું પ્રદુષણ ઝેર કરતા પણ ખતરનાક છે. પણ લોકો એનો આનંદ લઇ રહ્યા છે. આ તો કેવી પ્રજા છે? કોઈને જવાબદારી લેવી નથી. લગ્ન જેવી પ્રથામાં પણ ઇવેન્ટ બની જાય અને વિધિ કે મંત્રોચાર વગર કોઈ ફિલ્મની માફક બધું પતિ જાય ત્યારે દુખ થાય. આપણા દરેક રીતી રીવાજનું મહત્વ છે. છેલ્લા થોડા વરસોમાં પતનની ઝડપ વધી છે. જો કળીયુગની અસર હોય તો શું કલિયુગ હમણાં આવ્યો? અચાનક એવું તો શું થયું કે બધા બદલાવા લાગ્યા? શું ભારતીય વાસ્તુમાં આનું કોઈ નિરાકરણ ખરું?

જવાબ: આપને આવો સવાલ ઉભો થયો એ જ દર્શાવે છે કે ભારતીય વિચારો ક્યાંક બચી ગયા છે. કલિયુગ શરુ ક્યારે થયો એના વિષે કોઈ સચોટ માહિતી આપી શકશે? જો એ જ ખબર નથી તો એના અંતિમ તબક્કા વિષે કેવી રીતે વિચારી શકાય? એક યુગ લાખો વરસનો હોય છે. તમારી વાત સાચી છે કે કોઈને આપણી સંસ્કૃતિ વિષે સાચી વાત જાણવામાં રસ જ નથી. દારૂડિયાઓ એને સોમરસ સાથે સરખાવે છે. કહેવાતા સંતો પોતે જ આપણી સંસ્કૃતિ વિષે પૂરી સમજણ નથી ધરાવતા તો એ માર્ગ ક્યાંથી સુઝાડશે?

કોવીડ બાદ પણ જે લોકો કુકર્મીઓ હતા તે બચી ગયા એમને એવું લાગ્યું કે એમના કર્મ માફ થઇ ગયા છે. એટલે એ બેફામ બન્યા. કર્મના સિદ્ધાંતને સાચી રીતે ન સમજવાના કારણે બધા અચાનક ઉત્સાહમાં આવી ગયા. જો ઈશ્વરના પરિવારમાં પણ નિયમો તૂટે ત્યારે યાદવાસ્થળી થાય તો આ બધા તો સામાન્ય માણસો છે. બસ, સમયની રાહ જુઓ. તમારા સવાલોના જવાબ જરૂર મળશે. ભૌતિકતા વસ્તુઓ અને વ્યક્તિઓ ખરીદી શકે છે. સંજોગો કે મૃત્યુની સ્થિતિ નહિ.

ભારતીય વાસ્તુ નિયમોના આધારે આખી પરિસ્થિતિ વિચારીએ તો હવે જે કોઈ બાંધકામ થઇ રહ્યું છે એ માત્ર મન મનાવવા વાળા વાસ્તુ નિયમોને આધારે થાય છે. સાચા નિયમો વિશેની સમજણ ન હોય અથવાતો હું જ ઈશ્વર છુ એવી ગેરમાન્યતામાં થયેલો વધારો નકારાત્મક ઉર્જા આપવા સક્ષમ છે. આવા સમયે મહામૃત્યુંન્જય મંત્ર અને સૂર્ય પૂજા મદદ કરી શકે છે. જ્યાં સુધી વ્યક્તિનો અહંકાર ઓછો નહિ થાય ત્યાં સુધી કોઈ પણ નિયમો એને બચાવી નહિ શકે.

સુચન: મકાનમાં લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ ત્રણેય હોય છે. તેથી માત્ર નકશા પરથી વાસ્તુ સમજવું એ અધુરી બાબત છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)