વેજ મેયોનિઝ બ્રેડ સેન્ડવિચ

ઘરની સામગ્રીથી ગમે તેટલા નાસ્તા બનાવી લો. પરંતુ બ્રેડનું નામ લેતાં જ નાના-મોટાં સહુ બ્રેડનો નાસ્તો ખાવા લલચાઈ જ જાય છે અને આ બ્રેડનો નાસ્તો ઉપરથી ક્રન્ચી અને અંદરથી જ્યુસી બને છે!

સામગ્રીઃ  

  • પનીર 100 ગ્રામ
  • બ્રેડ 9-10
  • ચીઝ ક્યૂબ 2-3
  • વેજ મેયોનીઝ 3 થી 4 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને બારીક સુધારેલી ½ કપ
  • 3 લીલા મરચાં ઝીણા સમારેલા
  • ચીલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
  • દહીં 1 કપ
  • કોર્નફ્લોર 1 કપ
  • તળવા માટે તેલ(મેયોનિઝના મિશ્રણમાં સિમલા મરચાં, ગાજર કે અન્ય તમને ભાવતાં વેજીટેબલ્સ ઉમેરી શકો છો.)

રીતઃ 3 બ્રેડને મિક્સીમાં ગ્રાઈન્ડ કરીને આ બ્રેડ ક્રમ્સ એક બાઉલમાં કાઢી લો.

પનીર તેમજ ચીઝ ક્યૂબના નાના નાના ચોરસ ટુકડા કરીને એક બાઉલમાં લઈ લો. હવે તેમાં વેજ મેયોનીઝ તેમજ ઝીણા સમારેલા કોથમીર, લીલા મરચાં તેમજ ચીલી ફ્લેક્સ મિક્સ કરીને એક બાજુ મૂકી દો. મીઠું જરૂર મુજબ ઉમેરવું.

બીજા એક ચપટા ઉંડા વાસણમાં દહીં તેમજ કોર્નફ્લોર મિક્સ કરીને પાણી ઉમેરીને ઢોસાના ખીરાથી થોડું પાતળું ખીરું બનાવી લો. મીઠું પણ જરૂર મુજબ ઉમેરી દો.

5 થી 6  બ્રેડ લઈને તેની કિનારી કાપીને એકબાજુ રાખી દો અથવા આ કિનારીને મિક્સીમાં ગ્રાઈન્ડ કરીને બ્રેડ ક્રમ્સ બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

પાટલા ઉપર એક બ્રેડ મૂકીને તેની પર પનીર મેયોનીઝનું મિશ્રણ બ્રેડના કિનારા છોડીને પાથરવું. તેની ઉપર બીજી બ્રેડ ગોઠવીને કિનારેથી દાબી દો. હળવેથી આ બ્રેડને દહીં-કોર્નફ્લોરવાળા મિશ્રણમાં ડૂબાડીને બ્રેડ ક્રમ્સમાં રગદોળીને તરત કઢાઈમાં ગરમ થયેલા તેલમાં હળવેથી તળવા માટે નાખો. ગેસની આંચ તેજ તેમજ મધ્યમ કરવી. એક કઢાઈમાં 1 થી 2 સેન્ડવીચ આવશે. બ્રેડને ગોલ્ડન બ્રાઉન તળી લેવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]