મંચુરિયન પૂડલા

વરસાદમાં મંચુરિયન ખાવાનું જો મન થાય તો તળેલા તેલવાળા મંચુરિયન ખાવા કરતાં તે જ સામગ્રી વડે પૂડલા સારા રહેશે. આ ગરમાગરમ મંચુરિયન પૂડલા ખાવાની બાળકોને પણ મઝા પડશે.

સામગ્રીઃ

 • ઝીણી સમારેલી કોબી 2 કપ
 • સિમલા મરચું 1
 • કાંદા 2
 • ગાજર 1
 • કોથમીર ધોઈને સમારેલી ½  કપ
 • લીલા કાંદા તથા તેના પાન ધોઈને સમારેલા ½  કપ
 • આદુ-લસણ પેસ્ટ 1 ટે.સ્પૂન
 • લીલા મરચાં 2-3, મીઠું સ્વાદ મુજબ
 • સોયા સોસ 2 ટી.સ્પૂન
 • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
 • રેડ ચિલી સોસ 2 ટી.સ્પૂન
 • વિનેગર ½ ટી.સ્પૂન
 • કાળાં મરીનો પાવડર 1 ટી.સ્પૂન
 • ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 1 કપ
 • તેલ પૂડલા સાંતડવા માટે
 • શેઝવાન ચટણી પીરસવા માટે

રીતઃ એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી કોબી લો. ત્યારબાદ તેમાં કાંદા, ગાજર, કોથમીર, લીલા કાંદા તેના પાન સહિત ઝીણાં સમારીને ઉમેરો. ત્યારબાદ તેમાં સોયા સોસ, ટોમેટો કેચ-અપ, રેડ ચિલી સોસ, વિનેગર, કાળાં મરીનો પાવડર નાખો. તેમાં મીઠું સ્વાદના પ્રમાણ કરતાં થોડું ઓછું નાખવું કારણ કે, ચિલી સોસ તથા ટોમેટો કેચ-અપમાં મીઠું હોય છે. આ બધી સામગ્રીને હાથ વડે મિક્સ કરો. શાકને કારણે તેમાંથી પાણી છૂટશે. હવે તેમાં ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 1 કપ લઈ થોડો થોડો ઉમેરતાં જાવ અને હાથેથી જ મિક્સ કરતા જાવ. જરૂર મુજબ લોટ નાખવો. હાથમાં થોડું મિશ્રણ લઈ તેનો ગોલો વાળવો. જો ગોલો વળે તો મિશ્રણ તૈયાર છે.

એક પ્લાસ્ટીક પેપર અથવા બટર પેપર લઈ પાટલા પર મૂકો. પ્લાસ્ટીક પેપર લો તો તેની ઉપર તેલ ચોપડીને, તેની ઉપર પૂડલા માટેનો લૂવો લઈ હાથેથી થાપીને પૂડલો બનાવવો. એક નોનસ્ટીક તવો ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે પ્લાસ્ટીકમાંથી પૂડલો તવામાં નાખો. ગેસની આંચ મધ્યમ રાખવી. પૂડલો નાખ્યા બાદ 2 મિનિટ બાદ તેને ઉથલાવીને ઉપર તેમજ ફરતે તેલ રેડવું. 2 મિનિટ બાદ ફરીથી ઉથલાવી દો. પૂડલો બ્રાઉન રંગનો શેકાઈ જાય એટલે ઉતારી લો. આ જ રીતે બધા પૂડલા તૈયાર કરીને ટોમેટો કેચ-અપ અથવા શેઝવાન ચટણી સાથે પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]