સામાના પરાઠા સાથે મખાણાનું રાયતું

ચૈત્રી નવરાત્રિની આઠમના વ્રત માટે સામાના પરાઠા અને મખાણાનું રાયતું બનાવી જુઓ. વ્રત માટેના આ સ્વાદિષ્ટ ફરાળનો સ્વાદ ચાખ્યા બાદ તમે વ્રત વિના પણ આ વાનગી બનાવશો.

સામગ્રીઃ

મખાણાના રાયતા માટેઃ

  • મખાણા 1 કપ
  • ઘી 1 ટે.સ્પૂન
  • તાજું દહીં 1 કપ
  • શેકેલા જીરાનો પાવડર ½ ટી.સ્પૂન તેમજ ½ ટી.સ્પૂન રાયતા ઉપર ભભરાવવા માટે
  • કાળા મરી પાવડર ¼ ટી.સ્પૂન
  • સિંધવ મીઠું (સ્વાદ મુજબ)
  • લીલા મરચાં
  • કોથમીર ધોઈને સુધારેલી 1 ટે.સ્પૂન
  • સાકર 1 ટી.સ્પૂન (optional)

સામાના પરાઠા માટેઃ

  • જીરુ ¼ ટી.સ્પૂન
  • 1 લીલું મરચું અથવા તાજું લાલ મરચું
  • કળીપત્તાના પાન 5-6
  • ઘી વઘાર માટે તેમજ પરાઠા શેકવા માટે
  • સામાનો લોટ અથવા સામો 1 કપ (સામો મિક્સરમાં દળી લેવો),
  • બાફેલા બટેટા 3
  • કોથમીર ધોઈને સુધારેલી 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું (સ્વાદ મુજબ)

રીતઃ એક ફ્રાઈ પેનમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરીને એક કપ મખાણા તેમાં ક્રિસ્પી શેકી લેવા તથા એક વાસણમાં ઠંડા કરવા માટે મૂકો.

એક બાઉલમાં દહીં લઈ તેને ફેટી લેવું. તેમાં 1 લીલું મરચું સમારેલું, કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન, જીરા પાવડર, કાળા મરી પાવડર, સાકર (optional) તથા સિંધવ મીઠું 2 ચપટી જેટલું મિક્સ કરી લો. તેમાં અડધો કપ પાણી મેળવીને શેકેલા મખાણા મેળવી દો. બાઉલ ઢાંકીને ફ્રીજમાં 10 મિનિટ માટે રાખી મૂકો જેથી મખાણામાં દહીં એબ્સોર્બ થઈ જાય. દસ મિનિટ બાદ મખાણાનું રાયતું ખાવા માટે લઈ શકાય. રાયતા ઉપર જીરા પાવડર તેમજ ધોઈને ઝીણાં સમારેલાં કોથમીર તેમજ ફુદીનો ભભરાવવો.

એક કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરુ તતડાવો. ત્યારબાદ મરચું તેમજ કળી પત્તાના પાન સુધારીને સાંતડો અને પોણો કપ પાણી હળવેથી ઉમેરીને ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં દળેલો સામો મેળવીને તરત જ ચમચા વડે હલાવો. સામો મેળવતાં જ પાણી સૂકાઈ જશે. ગેસની આંચ મધ્યમ રાખવી. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.

બાફેલા બટેટાને છીણી વડે છીણી લો. સામાનો બંધાયેલો લોટ થોડો ગરમ હોય તે વખતે જ છીણેલા બટેટા મેળવી દો તથા તેમાં કોથમીર, કાળામરીનો પાવડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખીને ફરીથી લોટ બાંધી લીધા બાદ થોડું ઘીનું મોણ ચોપડી લેવું.

નોન સ્ટીક પેન અથવા લોખંડનો તવો ગેસ પર ગરમ કરવા મૂકીને સામાના લોટમાંથી લૂવો લઈ રોટલી વણો. અટામણ માટે સામાનો લોટ લેવો. ગેસની આંચ મધ્યમ રાખવી. તવામાં રોટલી એક બાજુએથી શેકાય એટલે ફેરવીને ઘી ચોપડવું. ઘઉંના લોટના પરોઠાની જેમ જ સામાની રોટલી પણ શેકી લેવી.

રોટલી તૈયાર થાય એટલે ઠંડા ઠંડા મખાણાના રાયતા સાથે પીરસો.