રવા પકોડા

વરસાદ વરસી રહ્યો છે અને ભજીયા ખાવાનું મન થઈ રહ્યું છે! તો બનાવો રવા પકોડા! રવા પકોડા?  હાં, જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ

 • રવો 1 કપ
 • દહીં ¼ કપ
 • કાંદો 1
 • લીલા મરચાં 3
 • આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી 2  ટે.સ્પૂન
 • કળીપત્તાના પાન 7-8
 • હીંગ ચપટી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
 • તેલ તળવા માટે

રીતઃ એક વાસણમાં રવો લો. તેમાં દહીં મિક્સ કરી લો. હવે તેમાં સમારેલી કોથમીર, ઝીણો સમારેલો કાંદો તેમજ લીલા મરચાં, આદુની પેસ્ટ મેળવી કળીપત્તાના પાનને પણ સમારીને ઉમેરો. મીઠું સ્વાદ મુજબ, હીંગ મેળવી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરવું.

તૈયાર થયેલું ખીરું ઢાંકીને 10 મિનિટ માટે એકબાજુ રહેવા દો. 10 મિનિટ બાદ જો ખીરું વધુ ઘટ્ટ થયું હોય તો તેમાં જરા પાણી ઉમેરીને ભજીયાના ખીરા પ્રમાણેનું ખીરું તૈયાર કરી લો. હવે તેમાં બેકીંગ સોડા પણ મેળવી દો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ ભજીયા સોનેરી રંગના ક્રિસ્પી તળી લો.

આ ગરમાગરમ પકોડા ટોમેટો કેચઅપ  અથવા લીલી ચટણી સાથે પીરસો.