રવાની ખાંડવી

રવાની ખાંડવી બનાવવામાં કળાકૂટ બહુ ઓછી છે. સ્વાદમાં પણ તે અલગ છે!

સામગ્રીઃ 

  • બારીક રવો 1 કપ
  •  મેંદો 2 ટે.સ્પૂન
  •  આદુ 1 ઈંચ
  •  દહીં 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  •  ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  •  2-3 લીલા મરચાં ઝીણાં સમારેલાં
  •  સૂકો મીઠો લીમડો 6-7 પાન
  •  કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

વઘાર માટેઃ

  • 2 ટે.સ્પૂન તેલ
  •  રાઈ 1 ટી.સ્પૂન
  •  લીમડાના પાન 6-7

રીતઃ બારીક રવો, મેંદો,  આદુ, તેમજ દહીંને મિક્સીમાં ગ્રાઈન્ડ કરી લો. ઢોકળાના ખીરા કરતાં પાતળું ખીરું હોવું જોઈએ તેથી તે પ્રમાણે પાણી ઉમેરો. આ ખીરાને અડધા કલાક માટે ઢાંકીને રાખી મૂકો.

અડધા કલાક બાદ તેમાં ચિલી ફ્લેક્સ, કોથમીર, ઝીણાં સમારેલાં લીલા મરચાં તેમજ લીમડાના સૂકા પાનને હાથેથી મસળીને ભૂકો કરીને નાખી દો.

ઢોકળા બાફીએ તે રીતે ઢોકળાનું વાસણ પાણી તેમજ તેમાં કાંઠો મૂકીને ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે કાંઠા પર તેલ ચોપળેલી થાળી મૂકીને એકદમ પાતળું પડ બને એટલું ખીરું નાખીને ઢોકળાનું વાસણ ઢાંકી દો. 5 મિનિટ બાદ થાળી તૈયાર થઈ જશે. એક થાળી ઉતારીને બીજી થાળી પણ આ રીતે તૈયાર કરી લો.

તૈયાર થયેલી થાળી ઠંડી થાય એટલે તેમાં 1 થી 2 ઈંચના અંતરે છરી વડે લાંબા કાપા પાડો. આ લાંબા પડને એકબાજુએથી વાળતા જાઓ અને રોલ વાળી લો. બીજા કાપામાંથી પણ રોલ વાળી લો. આ રીતે વાળેલા રોલને એક બીજી પ્લેટમાં ગોઠવતા જાઓ.

બધા રોલ તૈયાર થઈ જાય એટલે એક વઘારીયામાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તતડાવો. 4-5 પાન લીમડાના વઘારીને રવાની ખાંડવી પર રેડી દો.

આ ખાંડવી લીલી ચટણી અથવા સંભાર સાથે પીરસો.