પૌઆની ટિક્કી

ચટપટી, કુરકુરી અને ખાવામાં એકદમ લાઈટ. લાઈટ એટલે કે, તેમાં બટેટા નથી. તો પૌઆની આ ટિક્કી બનાવવામાં થોડી મહેનત જરૂર છે. પણ ચટણી સાથે (આપેલી રીત પ્રમાણે બનાવશો) પીરસશો તો ખાવામાં ઘણી સ્વાદિષ્ટ લાગશે!

સામગ્રીઃ

  • પાતળા પૌઆ 1 કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • કાંદો 1
  • સિમલા મરચું 1
  • લીલા મરચાં 2
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • પૌઆ 1 કપ, જીરુ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ્ 1 ટી.સ્પૂન
  • કશ્મીરી લાલ મરચા પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
  • માખણ 1 ટે.સ્પૂન
  • ચપટી હીંગ
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • આમચૂર પાવડર ¼ ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન

ચટણી માટેઃ

  • કાંદો 1
  • ટામેટું 1
  • લસણની કળી 2-3, કાળા મરી 3 નંગ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2
  • વરિયાળી ½ ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • અજમો ¼ ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 4-5

ચટણીની રીતઃ કાંદા તેમજ ટામેટાંને ચાર ટુકડામાં સુધારી લઈ મિક્સીના નાના બાઉલમાં નાખો. લસણની કળી, કાળા મરી, કોથમીર, લીલા મરચાં, વરિયાળી નાખીને પાણી નાખ્યા વિના અધકચરું પીસી લો.

એક ફ્રાઈ પેનમાં 1 ટે. સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરીને કળીપત્તાના પાન નાખીને વાટેલો મસાલો નાખીને સાંતડો. ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, કશ્મીરી લાલ મરચા પાવડર, હળદર, ચપટી મીઠું તેમજ ગરમ મસાલો નાખી તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતડીને ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લો.

ટીક્કીની રીતઃ પૌઆને 2-3 પાણીએથી ધોઈને ચાળણીમાં નિતરતા મૂકી દો. 5-10 મિનિટ બાદ તે નરમ લોટ જેવા થઈ જશે. ત્યારબાદ તેમાં 1 ટી.સ્પૂન જીરૂ, ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ્, કશ્મીરી લાલ મરચા પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું તેમજ ચપટી હીંગ તેમજ બાકીની સામગ્રી નાખી રાખો.

હવે ખાલી થયેલા ફ્રાઈ પેનમાં 1 ટે. સ્પૂન તેલ ગરમ કરી અજમો નાખ્યા બાદ તેમાં સુધારેલો કાંદો, લીલા મરચાં, સિમલા મરચું સમારીને 2-3 મિનિટ સાંતડો, જ્યાં સુધી તેમાંનું પાણી સૂકાય ન જાય. હવે આ મિશ્રણને ગેસ બંધ કરીને ઉતારીને પૌઆવાળા મિશ્રણમાં મેળવી દો અને ચોખાનો લોટ તથા માખણ 1 ટે.સ્પૂન મેળવીને લોટની જેમ બાંધી દો. આ મિશ્રણમાંથી નાના ગોલા લઈ તેને બે હાથ વડે ચપટા બનાવીને ફ્રાઈપેનમાં તેલ નાખીને શેલો ફ્રાય કરી લો. આ ગરમાગરમ ટિક્કી ચટણી સાથે પિરસો.