પાણીપુરી પિઝા

પિઝાનો સ્વાદ પાણીપુરીમાં ખાવા મળે તો એ સ્વાદ કંઈક અલગ મળશે. વળી પાણીપુરી પિઝાને ગરમ કરીને તો તે વધુ સ્વાદિષ્ટ બનશે!

સામગ્રીઃ

  • પાણીપુરી 8-10 નંગ
  • અમેરિકન મકાઈના બાફેલા દાણા ¼ કપ
  • સિમલા મરચું ઝીણું સમારેલું ¼ કપ
  • કાંદો ઝીણો સમારેલો ¼ કપ
  • ટામેટું ઝીણું સમારેલું ¼ કપ (optional)
  • મીઠું સ્વાદ મુજબ
  • પિઝા હર્બ્સ 4 ટી.સ્પૂન
  • પિઝા સોસ 3 ટે.સ્પૂન
  • ટોમેટો કેચઅપ 5 ટે.સ્પૂન,

ચીઝ સોસ માટેઃ

  • માખણ ½ ટે.સ્પૂન
  • મેંદો ½ ટે.સ્પૂન,
  • દૂધ 1 કપ
  • 3 ચીઝ ક્યુબ

રીતઃ એક બાઉલમાં મકાઈના બાફેલા દાણા, સિમલા મરચું, કાંદો, ટામેટું, પિઝા હર્બ્સ 1 ટી.સ્પૂન તેમજ મીઠું સ્વાદ મુજબ મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

એક નોન સ્ટીક ફ્રાઈ પેનને મિડિયમ ગેસની આંચ પર ગરમ કરવા મૂકો. ½ ટે.સ્પૂન માખણ તેમજ ½ ટે.સ્પૂન મેંદો તેમાં મિક્સ કરીને 15 સેકન્ડ સુધી હલાવતાં રહો. ત્યારબાદ તેમાં દૂધ ¼ કપ મેળવીને ફરીથી તેને ગઠ્ઠા ના પડે તે રીતે હલાવો અને તરત જ તેમાં ચીઝ ક્યુબના ટુકડા કરીને ઉમેરી દો. આ મિશ્રણને 2-3 મિનિટ સુધી હલાવતા રહો, જ્યાં સુધી ચીઝ ઓગળી ના જાય. જો મિશ્રણ સૂકું થવા લાગે તો તેમાં થોડું દૂધ ફરીથી ઉમેરી દો. મિશ્રણ એકરસ થાય પછી ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢીને તેમાં ¼ કપ દૂધ ઉમેરીને ઠંડું કરવા મૂકો. ઠંડું થયા બાદ મિક્સીમાં ફેરવી લો.

એક બાઉલમાં પિઝા સોસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરીને તેમાં પિઝા હર્બ્સ 1 ટી.સ્પૂન પણ મેળવી લો.

એક પ્લેટમાં દરેક પાણીપુરીમાં ઉપરના ભાગે અંગૂઠા વડે કાણું પાડીને પોણા ભાગમાં વેજીટેબલનું મિશ્રણ ભરી લો. ત્યારબાદ ½ ટી.સ્પૂન પિઝા-ટોમેટો કેચઅપનું મિશ્રણ ઉમેરીને ½ ટી.સ્પૂન ચીઝ સોસ પણ ઉમેરો. હવે તેની ઉપર થોડું ચીઝ ખમણીને પિઝા હર્બ્સ ભભરાવી દો.

આ રીતે તૈયાર કરેલી પાણીપુરી તરત ખાવામાં લઈ શકાય છે. બીજી રીત પ્રમાણે નોન સ્ટીક ફ્રાઈ પેનને ગેસ પર ગરમ કરી તેમાં તૈયાર પાણીપુરી ગોઠવીને ઢાંકીને 2-3 મિનિટ ગરમ કર્યા બાદ ખાવામાં લઈ શકાય છે.