લેયર્ડ વેજીટેબલ કટલેસ

લેયર્ડ વેજીટેબલ કટલેસ એક અનોખી વાનગી છે. જે બનાવવામાં થોડી કડાકૂટ તો ખરી, પણ કટલેસ તૈયાર થયા પછી ગરમાગરમ સ્વાદિષ્ટ કટલેસ પીરસવામાં અને ત્યારબાદ ખાવામાં રાંધવાની મહેનત અને કળાકૂટ તો ભૂલાઈ જ જાય છે!

સામગ્રીઃ  

કટલેસના ઉપરના પડ માટેઃ 7-8 બટેટા, મીઠું સ્વાદ મુજબ, 3-4 લીલાં મરચાં, આદુનો 1 ઈંચ ટુકડો,

બીજા પડ માટે પૂરણઃ વટાણા 2 કપ, 2-3 લીલાં મરચાં, 6-7 કળી લસણ (optional), તલ 1 ટી. સ્પૂન, ખસખસ 1 ટી.સ્પૂન, ખાંડ 1 ટી.સ્પૂન (optional), લવિંગનો ભૂકો ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, ગરમ મસાલો 1 ટી.સ્પૂન,  મરી પાઉડર ½ ટી.સ્પૂન, લીંબુનો રસ 2 ટી.સ્પૂન, કોથમીર ધોઈને સમારેલી 2 કપ, મીઠું પ્રમાણસર,

ત્રીજા પડ માટે પૂરણઃ લીલા નાળિયેરનું ખમણ 2 કપ, 2-3 લીલાં મરચાં, કિસમિસ 10-15, કાજુ 10,  મીઠું પ્રમાણસર

કોટિંગ માટેઃ મેંદો 150 ગ્રામ, બ્રેડ ક્રમ્સ 200 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ તેમજ તેલ કટલેસ તળવા માટે

રીતઃ

બટેટાને બાફીને, છોલીને, છીણીને માવો તૈયાર કરો. તેમાં મીઠું તેમજ આદુ-મરચાંની પેસ્ટ પણ મેળવી દો.

લીલા વટાણાને મિક્સીમાં અધકચરા વાટી લેવા. એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી,  વટાણાનો ભૂકો તેમજ હિંગ મેળવી, મીઠું મિક્સ કરી દો. હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5-10 મિનિટ માટે બફાવા દો. તેમાં તલ, ખસખસ, લીલાં મરચાં બારીક સમારેલા, લવિંગ-કાળાં મરીનો પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો મેળવી દો. ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. તેમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર મેળવો. લસણ વાટીને મેળવી દો.

નાળિયેરના ખમણમાં મીઠું, બારીક સમારેલાં મરચાં, કિસમિસ અને કાજુના ટુકડા મેળવો.

150 ગ્રામ મેંદામાંથી 50 ગ્રામ જેટલો મેંદો એક વાટકીમાં કોરો રહેવા દો અને બાકીના મેંદામાં થોડું મીઠું નાખી પાતળું ખીરું બનાવી લો.

એક થાળીમાં મેંદો છાંટી, બટેટાના માવામાંથી લૂવો લઈ હાથેથી થાપીને નાની પુરી બનાવો.

તેમાં લીલા વટાણાનું સ્ટફિંગમાંથી પુરી બનાવી તેની ઉપર મૂકી દો. હવે તેની ઉપર લીલા કોપરાના ખમણવાળું સ્ટફિંગ મૂકીને આ કટલેસને ગોળાની જેમ વાળી લો. તૈયાર કટલેસને મેંદાના ખીરામાં બોળી, બ્રેડ ક્રમ્સમાં રગદોળીને તેલમાં બદામી રંગની તળી લો.

આ કટલેસ લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.