ઈમ્યુનિટી બૂસ્ટર લાડુ

કોરોના વાયરસ સામે લડવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. પરંતુ વરસાદની ઋતુ આવતાં તે થોડી ક્ષીણ થાય છે. અહીં પ્રોટીન, ઝીન્ક, લોહતત્વ ધરાવતા ઈમ્યુનિટી બૂસ્ટર લાડુ બનાવવાની રીત આપી છે. જે ડાયાબિટીસ ધરાવનાર પણ ખાઈ શકે છે. કારણ કે, તે ગોળ અને સાકર વગર બને છે.

સામગ્રીઃ 

  • બદામ ½ કપ
  • અખરોટ 1 કપ
  • શીંગદાણા ½ કપ
  • કાજુ ½ કપ
  • પિસ્તા ¼ કપ
  • મેથી ½ ટી.સ્પૂન
  • એલચી 5-6 નંગ
  • લવિંગ 3-4 નંગ
  • તજનો ટુકડો 1 ઈંચ
  • તલ 4 ટી.સ્પૂન
  • ખસખસ 2 ટી.સ્પૂન
  • સૂકા કોપરાની છીણ 4-5 ટે.સ્પૂન
  • કાળા ખજૂર ½ કિ.ગ્રા.
  • દેશી ઘી 2-3 ટે.સ્પૂન

રીતઃ એક પેનને ગેસની ધીમી આંચે ગરમ કરવા મૂકો. તેમાં બદામ, અખરોટ, કાજુ, પિસ્તા તેમજ શીંગદાણા નાખીને 2-3 મિનિટ ગેસની ધીમી આંચે શેકીને એક થાળીમાં કાઢી લો. ત્યારબાદ પેનમાં લવિંગ, એલચી, તજ 2 મિનિટ શેકીને ડ્રાયફ્રુટવાળી થાળીમાં કાઢી લો. હવે મેથી પણ શેકી લીધા બાદ એ જ થાળીમાં કાઢી લો.

હવે ગરમ પેનમાં તલ ફુટે ત્યાં સુધી શેકીને બીજી થાળીમાં કાઢી લો અને ખસખસ તેમજ કોપરાની છીણ પણ અલગ અલગ શેકીને તલવાળી થાળીમાં કાઢી લો.

ઉપરની બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સીમાં પહેલાં ડ્રાય ફ્રુટ બારીક પીસીને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ તલ, ખસખસ, કોપરું પીસી લો. (આ દરેક સામગ્રી અધકચરી રાખવી હોય તો તે રીતે મિક્સીમાં પીસવી)

ખજૂરના ઠળિયા કાઢી લેવા અને મિક્સીમાં આવે તે પ્રમાણે બે-ત્રણ બેચમાં ગ્રાઈન્ડ કરી લેવા.

એક કઢાઈમાં 2-3 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં 3-4 મિનિટ માટે ખજૂર શેકો. ત્યારબાદ વાટેલી સામગ્રી ઉમેરીને એકસરખું મિક્સ થાય ત્યાં સુધી તવેથા અથવા સ્પેટુલા વડે હલાવો. લગભગ 5-6 મિનિટ સુધી. ત્યારબાદ આ સામગ્રીને એક થાળીમાં કાઢી લો અને લાડુ વાળવા માટે હાથમાં લઈ શકાય એટલી ઠંડી થાય એટલે 1 થી 2 ઈંચ જેટલા ગોલા લઈને લાડુ વાળી લો.

આ લાડુને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. આમાંથી રોજ એક લાડુ ખાવા માટે લઈ શકાય.

જો આ લાડુ વધુ બનાવીને 2-3 મહિના સુધી સારા રાખવા હોય તો કન્ટેનરને રેફ્રિઝરેટરમાં રાખવું.