દહીંની ગ્રેવીવાળું બટેટાનું શાક

ગરમીના દિવસોમાં કાજુ કે કોપરાની ગ્રેવીવાળું પનીરનું કે અન્ય કોઈ શાક ખાવામાં ભારે લાગતું હોય તો બટેટાનું દહીંની ગ્રેવીવાળું હળવું તેમજ ચટપટું શાક મૂડને તરોતાજા કરી દેશે!

સામગ્રીઃ

  • બટેટા 4 નંગ
  • દહીં 1 કપ
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાવડર 1¼ ટી.સ્પૂન
  • રાઈનું તેલ 2 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • આદુ ½ ઈંચ ઝીણું સમારેલું
  • લીલા મરચાં 2-3 ગોળ સુધારેલા
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને ઝીણી સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલીને ચાર ટુકડામાં કટ કરો. આ બટેટાના ટુકડાને કૂકરમાં 1 કપ પાણી તેમજ મીઠું નાખીને મિક્સ કરી દો તેમજ કૂકરનું ઢાંકણ બંધ કરીને તેની 1 સીટી કરો. કૂકર ઠંડું થાય એટલે તેમાંથી બટેટાને એક ચાળણી અથવા સૂપની ગળણીમાં કાઢીને પાણી નિતારી લો અને એક પ્લેટમાં ઠંડા થવા દો.

એક કપ દહીં એક બાઉલમાં લો. તેમાં મરચાં પાવડર, ધાણાજીરૂ, હળદર પાવડર, મીઠું મિક્સ કરી લો.

બીજી એક કઢાઈમાં રાઈનું તેલ સરખું ગરમ કરી તેમાં જીરા તેમજ હીંગનો વઘાર નાખી દો. હવે એમાં સુધારેલા મરચાં તેમજ આદુ નાખીને ઝીણો સમારેલો કાંદો પણ ઉમેરી દો. કાંદાને 3-4 મિનિટ સુધી સાંતળો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. ગેસની આંચ ધીમી કરીને મસાલાવાળું દહીં હળવેથી નાખી દો અને તરત જ ગેસની આંચ તેજ કરીને ઝડપથી દહીંના મિશ્રણને હલાવતા રહો, જ્યાં સુધી દહીંની ગ્રેવી ઘટ્ટ થઈ જાય. એટલે કે, 3-4 મિનિટ સુધી એકસરખું હલાવતા રહેવું.

હવે આ ગ્રેવીમાં બટેટા ઉમેરો સાથે સાથે ગરમ મસાલો, કસૂરી મેથી પણ ઉમેરીને તેમાં ½ કપ પાણી મિક્સ કરી દો. 2-3 મિનિટ ગેસની તેજ આંચ પર થવા દો. હવે એના પર કોથમીર ભભરાવીને ઉતારી લો. ખાવા માટે ગરમાગરમ પીરસો.