બદામ-સંદેશ

જન્માષ્ટમીમાં કાનુડાને ધરાવવા માટે લાલાની મનભાવન મીઠાઈ બદામ-સંદેશ બનાવી લો. સંદેશ બનાવવામાં થોડો સમય જશે. પણ બહુ જ સરસ મીઠાઈનો પ્રસાદ તૈયાર થશે.

સામગ્રીઃ

  • બદામ 1 કપ
  • ગાયનું દૂધ 1 લિટર
  • લીંબુનો રસ 4 ટે.સ્પૂન
  • દળેલી ખાંડ 1 કપ
  • બદામ સજાવવા માટે 8-10

રીતઃ બદામને હૂંફાળા ગરમ પાણીમાં 2-3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ બદામની છાલ કાઢીને તેને મિક્સીમાં પીસી લો.

દૂધને એક વાસણમાં ગરમ કરવા મૂકો. એક વાટકીમાં લીંબુનો રસ 4 ટે.સ્પૂન લઈ તેમાં 4 ટે.સ્પૂન પાણી મેળવો. દૂધમાં ઉભરો આવે એટલે લીંબુનો રસ 2 ટે.સ્પૂન મેળવી 1 મિનિટ માટે કડછી વડે દૂધ હલાવો. ત્યારબાદ ફરીથી 2 ટે.સ્પૂન લીંબુનો રસ મેળવી હલાવતા રહો. દૂધ ફાટવા આવે પાણી તેમાંથી છૂટું પડવા લાગે એટલે 5-7 મિનિટમાં પનીર તૈયાર થઈ જશે.

હવે આ પનીરને સ્ટીલની ગળણીમાં ગાળી લો. ઉપરથી ઠંડું પાણી રેડી દો. ત્યારબાદ પનીરને એક સુતરાઉ કાપડમાં બાંધીને એ જ સ્ટીલની ગળણીમાં 1 કલાક માટે મૂકી રાખો. જેથી તેમાં રહેલું પાણી પણ નિતરી જાય,

હવે પનીરને હથેળી વડે થોડું કુણી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ તેમજ પીસેલી બદામ ઉમેરીને લોટની જેમ આ મિશ્રણ બાધી દો.

એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણને ગરમ થવા મૂકો. ફક્ત 2-3 મિનિટ તવેથા વડે ફેરવીને ગરમ થવા દો. બહુ વધુ ગરમ ના કરવું. 2 મિનિટ બાદ તેમાંથી શીંગદાણા જેટલું મિશ્રણ લઈ તેને ગોલો વાળી જુઓ. જો આ મિશ્રણ હાથમાં ચોંટતું ના હોય અને લીસો ગોલો વળી જાય તો ગેસ બંદ કરીને મિશ્રણ નીચે ઉતારી લો.

આ મિશ્રણના ગોલા વાળી તેને થોડા ચપટાં કરીને તેની ઉપર એક એક બદામ લગાડીને સજાવી દો. સંદેશને ચોરસ આકાર પણ આપી શકો છો.