અમેરિકા ભારત પર લાગેલા પરમાણુ પ્રતિબંધ હઠાવશે

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતીય પરમાણુ સંસ્થાઓ પર લાગેલા જૂના પ્રતિબંધોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એનો ઉદ્દેશ ભારતની સાથે ઊર્જા સંબંધોને મજબૂત કરવાને અને 20 વર્ષ જૂના ઐતિહાસિક પરમાણુ સમજૂતીને નવી ગતિ આપવાનો છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેક સુલિવને આ અંગે માહિતી આપી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રતિબંધો દૂર કરશે. બીજી તરફ ગયા મહિને અમેરિકાએ પાકિસ્તાનની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. જે પાકિસ્તાન માટે આઘાતજનક નિર્ણય છે.જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ IIT-દિલ્હીમાં ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ભૂતકાળમાં 26 વર્ષ પહેલાં મૂકાયેલા પ્રતિબંધો દૂર કરી અમેરિકા સાથે ભારતના પારદર્શક વેપાર સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય રજૂ કર્યો હતો. મે,  1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેનાથી નારાજ અમેરિકાએ ભારતની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઈન્ડિયન રેર અર્થ્સ, પરમાણુ રિએક્ટર્સ સામેલ હતી. હવે આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે. સુલિવને જણાવ્યું હતું કે સેમીકંડક્ટર ટેક્નિક પર ભારત પ્રથમ એવો દેશ છે, જેની સાથે અમેરિકા કામ કરશે. તત્કાલીન મનમોહન સિંહ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ વચ્ચેની બેઠકમાં ભારત અને અમેરિકા સિવિલ પરમાણુ કોર્પોરેશન માટે મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બાદમાં 2008માં ભારત-યુએસ સિવિલ પરમાણુ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રેગ્યુલેટરી પડકારોને કારણે યુએસ ન્યુક્લિયર રિએક્ટર્સના સપ્લાય માટેની યોજના સાકાર થઈ શકી નહીં. તેમના આ અવાસ્તવિક વિઝનને સાકાર કરતાં આજે અમે જાહેરાત કરીએ છીએ કે, અમેરિકા હવે લાંબા સમયથી ચાલતાં પ્રતિબંધો દૂર કરી બંને દેશોની કંપનીઓ વચ્ચે સિવિલ પરમાણુ જોડાણ કરશે.