ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિની ઘટનાઓ વારંવાર ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર-1ના એકાઉન્ટ્સના અંગ્રેજી માધ્યમના પેપરના લીક થવાના આરોપો NSUIએ લગાવ્યા હતા. હવે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU) હેઠળની એક સંસ્થામાં પણ આવી જ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. યુવરાજ સિંહ જાડેજાએ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે.
યુવરાજ સિંહનું કહેવું છે કે ગુજરાતમાં શિક્ષણની સંસ્થાઓ વેપારનું કેન્દ્ર બની ગઈ છે. તેમણે એક ગુજરાતી કહેવતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે “કુવામાં જે હોય તે હવાડામાં આવે,” એટલે કે છુપાયેલી ગેરરીતિઓ હવે ખુલ્લી પડી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, HNGU હેઠળની એક સંસ્થામાં પરીક્ષાઓ દરમિયાન ચોરી, નકલ અને અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેમણે દાવો કર્યો કે તેમની પાસે પુરાવા છે, જેમાં સંસ્થાના સંચાલકો અને વહીવટદારો વિદ્યાર્થીઓને સાહિત્ય પૂરું પાડતા જોવા મળે છે. આ ઉપરાંત, વોટ્સએપ ચેટ દ્વારા પરીક્ષાના પ્રશ્નોની માહિતી અગાઉથી આપી દેવામાં આવી હતી અને પેપર પણ ટાઇમ ટેબલ પહેલાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા.
HNGUની પ્રાંતિજ સ્થિત એક્સપેરિમેન્ટલ કૉલેજ ઑફ એજ્યુકેશનમાં પણ આવી ગેરરીતિઓનો ખુલાસો થયો છે. અહીં સંચાલકો દ્વારા નકલની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ મોબાઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને જવાબો લખ્યા હતા. યુવરાજ સિંહે આરોપ લગાવ્યો કે અશ્વિન પટેલ અને સંજય પટેલ નામની વ્યક્તિઓએ આ ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે HNGU હેઠળની લગભગ 800 કૉલેજોમાં આવી જ પદ્ધતિથી પરીક્ષાઓ લેવામાં આવે છે. આ ઉપરાંત, HNGUના સંચાલકો પાસે આ ગેરરીતિઓની જાણ હોવા છતાં, તેઓ નફો મેળવવા માટે UGCના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઘણી કૉલેજો કોમ્પ્લેક્સમાં ચાલે છે, જ્યાં નિયમોની વિરુદ્ધ ફી વસૂલવામાં આવે છે અને વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો પણ જપ્ત કરી લેવાય છે. આ મામલે યુવરાજ સિંહે માંગ કરી છે કે પ્રાંતિજની આ કૉલેજ સામે પોલીસ કાર્યવાહી થાય, તેના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે અને MCE પરીક્ષાઓની વિગતો પણ સાર્વજનિક કરવામાં આવે.
