“રણઝણસિંહ ! મેં તમને મોબાઈલમાં એક પ્રેરણાત્મક વિડીયો મોકલ્યો, તે તમે જોયો ?” અમે ભારે ઉત્સાહમાં બોલી રહ્યા હતા. “એમાં કહે છે કે હજી સૂર્યોદય ઉપર લોકડાઉન થયું નથી.. હજી દરિયાનાં મોજાંઓ ઉપર લોકડાઉન નથી… હજી પંખીઓના કલરવ ઉપર લોકડાઉન નથી…”
“અલ્યા મન્નુડા, આ હંધીય ચાંપલાશુંનો ચેપ તને ય લાગી ગ્યો ?”
“ચાંપલાશ નથી, રણઝણસિંહ તમે જરા ધ્યાનથી વિચારો, કેટલી સુંદર વાતો છે ?”
“મન્નુ, પહેલાં તું મને એમ કિયે કે આ સુંદર વાતું તેં ક્યાં વાંચી ?”
“મારા મોબાઈલમાં.”
“તારો મોબાઈલ શેના વડે હાલે છે ?”
“બેટરી વડે.”
“અને ઈ બેટરી ઉતરી જાય પછી ?”
“પછી વળી શું ? બેટરી રિ-ચાર્જ કરી લેવાની.”
“શેના વડે ?”
“પ્લગ વડે, આઈ મિન, ઈલેક્ટ્રીસીટી, યાને કે વીજળી વડે…”
“અને મન્નુડા, વીજળી જ નો હોય તો ?”
“હેં ?”
“આ જે તારા મોબાઈલમાં અને તારા મગજમાં પોઝિટીવીટીનાં પૂર હાલી નીકળ્યાં છે ને, ઈ એટલા માટે હાલે છે કે હજી વીજળીનો પુરવઠો ખતમ થ્યો નથી. બાકી, જો વીજળી જ નો હોત ને, તો તું આમ એરકંડીશન્ડ ઘરમાં બેઠો બેઠો, હળું હળું પંખાની હવા ખાતો ખાતો, માઈકોવેવ ઓવનમાં રાંધેલી રસોઈ, તારા એલઈડી ટીવી હાંમુ બેસીને જમતાં જમતાં, ને પછી મોટો ઓડકાર ખાઈને આમ મારી હાર્યે ફોનથી ઊંચી ઊંચી ફિલોસોફીયું નો ઠોકતો હોત !”
અમે ચૂપ થઈ ગયા. અમારા રણઝણસિંહની આ જ એક ખરાબ ટેવ છે. આખી દુનિયા જે વાતે હરખપદૂડી થઈને નાચતી હોય ઈ જ વાતમાં એમને કાંઈક વાંકુ પડે છે.
અમે પૂછ્યું: “રણઝણસિંહ, તમે કહેવા શું માગો છો ?”
“ઈ જ કે ભાઈ મારા, આ જે વીજળી છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, ફોન છે… ટુંકમાં, છેલ્લા વીસેક વરસમાં ડિજીટલ કોમ્યુનિકેશન ટેકનોલોજીએ જે હરણફાળ ભરી છે એનાં મીઠાં ફળ તું તારા ઘરમાં બેઠો બેઠો ખાઈ રિયો છે. બાકી આ ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલના ટાવરો કે અવકાશમાં તરતા સેટેલાઈટ નો હોત તો તું શું કરતો હોત ?”
“વાત તો સાચી છે.” અમે કાન પકડ્યા.
“આ હંધીય જે ગળચટ્ટી જ્ઞાનની વાતું જોઈ વાંચીને તમે જે ગદ્ ગદ્ થઈ જાવ છો ને, ઈ સઘળું જ્ઞાન છેલ્લા વીસ જ દિ’નું છે ! મન્નુડા, માણહની જિંદગી લગભગ સવા લાખ દિ’ની હોય છે. એને વીસ દિ’ના વોટ્સેપિયા જ્ઞાનથી માપવાની મૂરખાઈ નો કરાય.”
“હા, એ ખરું. પણ સૂર્યોદય -”
“એલા મન્નુડા !” રણઝણસિંહ અચાનક ખખડ્યા. “જે ટેકનોલોજીના લાઈફ સપોર્ટથી તું આજે આરામથી ઘરમાં બેઠો છે ને, એનો ય આભાર માનવો જોઈં. બાકી ઈ નો હોત તો શું તું મંજીરાં, ઢોલક અને તંબૂરા વડે જીવવાનો હતો ?”
“હા, પરંતુ મંજીરા, ઢોલક અને તંબૂરા વડે જિંદગી કેમ ના જીવી શકાય ?”
– અમને હતું કે અમે કોઈ ‘પ્રાણપ્રશ્ન’ પૂછી નાંખ્યો છે, પણ રણઝણસિંહે તેનો જવાબ ન આપ્યો.
-મન્નુ શેખચલ્લી