ગાજિયાબાદ: ગાજિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ‘દિલ્હી જ્યુસ કોર્નર’ નામની દુકાનમાં ભારે હંગામો સર્જાયો હતો, જયારે એવી વાત ફેલાઈ કે ત્યાં ગ્રાહકોને આપવામાં આવતા જ્યુસમાં થૂંક ભેળવેલું છે. આ ઘટના સામે આવતાં જ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને હિંદૂ સંગઠનોના કાર્યકરો પણ દુકાન પર પહોંચી ગયા હતા.
તહેવાર દરમિયાન કાંવડ લઈ જતા શ્રદ્ધાળુઓ માટે આ દુકાનમાંથી જ્યુસ આપવામાં આવી રહ્યો હતો. એવું કહેવામાં રહ્યું છે કે એક ગ્રાહકે દુકાન પર લગાવેલો QR કોડ સ્કેન કર્યો હતો, પરંતુ તેમાંથી માલિક કે કર્મચારીઓના નામની માહિતી સામે આવી ન હતી. આથી લોકોમાં શંકા ઉદભવી.
હિંદુ સંગઠનના સભ્યોનો આક્ષેપ છે કે આવા દુકાનોનાં નામ જાણીજોઈને હિંદુ નામ રાખવામાં આવે છે જેથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે. તેમના કહેવા મુજબ ‘દિલ્હી જ્યુસ કોર્નર’ નામ માત્ર છે, પરંતુ આશય હિંદુ ધર્મની ભાવનાને આઘાત પહોંચાડવાનો છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે દુકાનમાંથી એક બોટલમાં યુરિન મળ્યું છે. જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પણ આ વાતે વાતાવરણને વધુ ભડકાવ્યું છે.
ખાદ્ય વિભાગે નમૂનાઓ એકત્ર કર્યા
પોલીસ ઘટનાસ્થળે પહોંચી એ સ્થિતિને નિયંત્રિત કરી અને ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરી હતી. તેમની ટીમે દુકાનમાંથી જ્યુસ અને અન્ય પીણાંના નમૂનાઓ એકત્ર કર્યા છે, જેમની તપાસ બાદ જ સત્ય સામે આવશે.
સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો રોષ
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોની માગ છે કે જો આરોપ સાચા સાબિત થાય તો દુકાનમાલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુકાનો પર નજર રાખવામાં આવે, જે ખાદ્ય પદાર્થો અને ધાર્મિક લાગણીઓ બંને સાથે ચેડાં કરે છે.
