શું કાંઇક ધારી લેવું એ ખરેખર આટલું બધું મુશ્કેલ હોઇ શકે?

ધારો કે….

આ ત્રણ અક્ષરના શબ્દથી કોણ અજાણ હોઇ શકે? જીવનના, દોસ્તીના, દુશ્મનીના, એમ કહો કે માનવીય સંબંધોના ઘણા બધા સમીકરણો બદલી નાખનાર આ શબ્દ મને ક્યારેય ન તો સમજાયો છે કે ન તો ગમ્યો છે. શાળાના દિવસોમાં જ્યારે આ શબ્દ ગણિતના દાખલા અને વિજ્ઞાનના સમીકરણોમાં આવતો ત્યારે મને રીતસર પરસેવો વળી જતો. બહુ જ ઉદાસ થઈ જતી ત્યારે હું. સાચુ કહું તો હું ક્યારેય આ કોયડો ઉકેલી જ શકી નથી. ત્યારે મને હંમેશા થતું કે મને જ કેમ ધારતા નહિ આવડતું હોય? શું ધારવું, કાંઇ ધારી લેવું એ ખરેખર આટલું બધું મુશ્કેલ હશે? જો કે એ સમયે એવું પણ થતું કે , ‘હશે, આ ક્યાં જિંદગીના કોઈ તબક્કામાં ઉપયોગી થવાનું?’ એમ વિચાર્યા પછી હળવાશ પણ અનુભવાતી.

સમય વીતતો ગયો. સ્કૂલકાળની બાળકબુદ્ધિનું સ્થાન પરિપક્વતાએ લીધું ત્યારે સમજાયું કે જીવનના લગભગ તમામ સુખ –દુઃખ ક્યાંક ને ક્યાંક કદાચ આ એક જ શબ્દની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા છે. જિંદગીના રુબીક ક્યુબ્સમાં લાગેલા સુખ-દુઃખ અને ખુશી-ગમના રંગોને માત્ર  ‘ધારો કે…’ ની ટ્રીકથી ગણતરીની મિનિટોમાં યોગ્ય જગ્યાએ ગોઠવી શકાય છે.

બસ, એ પછી તો શરૂ થઈ  ધારો કે એવું થયું હોત તો…. ની સફર. કાંઇક ધારી લઇને વિચારવાની અને એના આધારે સંબંધોના સમીકરણને નવેસરથી જોડવાની અને જોખવાની આ અદભૂત સફર. એવા કેટલાય નાના નાના, નરી આંખે નહિ જોઈ શકાયેલા સુખ, ખુશી અને સંબંધો આ એક માત્ર શબ્દે બતાવી દીધા. જે જીવાય છે અને જે જીવી શકાયું હોત એ બન્નેનું ત્રાજવું છે આ ‘ધારો કે…’. વાસ્તવિકતા અને કલ્પનાને ધારો કે.. ના ત્રાજવે તોલતા સુખ અને દુઃખનું વજન મપાઈ જતું હોય છે.

ધારો કે એવું થયું હોત તો કે મારી આ સફરમાં તું પણ મારી સાથે હોત તો?

લાગે છે ને આ કલ્પના જ રોમાંચક? તો ચાલ, આ એક શબ્દના મેગ્નિફાઈંગ ગ્લાસથી જીવનની સૂક્ષ્મ ઘટનાઓને નવેસરથી નિહાળીએ…

*   *  *

ધારો કે એવું થયું હોત તો….

આલાપ,

મારા ‘ધારો કે…’ ના આ વિચાર-વિશ્વનું તું એકમાત્ર પાત્ર છે. આપણે જેને ચાહીએ એને સ્થૂળ અર્થમાં ન પામી શકીએ ત્યારે ‘ધારો કે…’ નું ભાવ-વિશ્વ વાસ્તવિક જીવનમાં સપ્તરંગી મેઘધનુષ્ય રચે છે. તને ચાહ્યો-ભરપૂર ચાહ્યો, પરંતુ તને પામી ન શકાયું એ કારણથી જ કદાચ તારી સાથેની નાની નાની ક્ષણો પણ અતિ મધુર લાગી રહી છે. સાથે વીતાવેલી એક એક ઘડીને જ્યારે કંઈક અલગ ધારીને વિચારું ત્યારે થાય છે કે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પણ ક્યારેક સૂકુન આપવા સક્ષમ હોય છે.

તને યાદ કરવો એ તો શ્વસવા જેવું છે. જેમ શ્વાસ લેવા નથી પડતા, શ્વાસ લેવાનું યાદ નથી રાખવું પડતું,  શ્વાસ લેવા માટે સમય નથી કાઢવો પડતો અને એ આપણી જાણ બહાર જ થઇ જતી પ્રક્રિયા છે એમ તને યાદ કરવો એ પણ સતત અને મારી જાણ બહાર ચાલતી અવિરત પ્રક્રિયા છે.

જ્યારે જ્યારે તને મળવાની ઝંખના તીવ્ર બને છે ત્યારે ત્યારે હું તેં ગિફ્ટ કરેલો ટ્રાન્ઝિસ્ટર લઈને બેસી જાઉં છું. એમાંથી રેલાતા સૂર મને ભૂતકાળમાં ખેંચી જાય છે અને જેમ અસહ્ય થાક લાગ્યો હોય ત્યારે હુંફાળા ગરમ પાણીનું સ્નાન તાજગી આપે છે એમ જ હું એ યાદોના સ્નાનમાં ભીંજાઈને તાજી થઈ જાઉં છું.

આજે મોસમનો અલગ અંદાજ છે અને આપણે અનેકવાર આવી મોસમમાં મળ્યા છીએ . આજે ફરી તને મળવાની તલપ જાગી ને મેં ટ્રાન્ઝિસ્ટર ઑન કર્યું. દર્દમાં ઘૂંટાઈને ઘેરા થયેલા અવાજે આખું વાતાવરણ ગમગીન બનાવી દીધું. ધારો કે એક સાંજ આપણે મળ્યા..આપણે હળ્યા… પણ આખા યે આ આયખાનું શું… કવિ જગદીશ જોશીની આ રચનાની પહેલી જ લાઈને મારા હૃદય પર કબજો કરી લીધો ને મન વિચારના ચકડોળે ચડી ગયું…

આલાપ, આવી કેટલીય સાંજ આપણે પણ મળ્યા, હળ્યા અને ભળ્યા. એવી જ રીતે જેવી રીતે એક ઉછળતી કૂદતી નદી સમુદ્રને મળે,  હળે અને પછી એમાં ભળે. આપણને કેમ ક્યારેય છૂટા પડવાનો, વિયોગનો, વિષાદનો અને એ પછીના આયખાનો વિચાર જ ન આવ્યો?

મને લાગે છે પ્રેમની સૌથી સુંદર અવસ્થા આ છે. કોઈ પૂર્વ આયોજન વગર મળવું, કોઈ ઈરાદા વગર હળવું અને કોઈ શરતો વગર ભળવું. છૂટા પડયા પછી પણ આવું કોઈ ગીત જ્યારે વીતેલા વખતમાં ખેંચી જાય અને એ સમયની યાદો આજે પણ આનંદ, સુખ અને સંતોષ આપે તો સમજવું કે એ ખરેખર પ્રેમ છે. (હું પ્રેમને ‘હતો’ એમ નહિ કહું)

ધારો કે એવું થયું હોત કે તેં મને આ ટ્રાન્ઝિસ્ટર ગિફ્ટ જ ન કર્યો હોત તો? કદાચ ક્યાંય બીજે પણ સાંભળેલું આ ગીત આટલું મધુર તો ન જ લાગત!

-સારંગી

(નીતા સોજીત્રા)

(નીતા સોજીત્રા મૂળ જૂનાગઢના, પણ હાલ ઉપલેટામાં રહે છે. ભણ્યા છે કોમર્સનું, પણ બાળપણમાં જ પિતાજી અને પરિવારમાં મળેલા સાહિત્યિક વાતાવરણના કારણે વાંચન તરફ ઝુકાવ વધારે. ગૃહિણી તરીકે ઘર-બાળકોની જવાબદારી સંભાળ્યા પછી સમયની મોકળાશ મળી એટલે મન-હદયમાં વર્ષોથી સંઘરાયેલી લાગણીઓને વાચા આપવાનું શરૂ કર્યું. એમના સંવેદનાસભર લખાણોને, ખાસ કરીને ઓનલાઇન માધ્યમોમાં ખૂબ આવકાર મળ્યો છે. લાગણીથી છલકાયેલા એમનાં પ્રેમપત્રરૂપી લખાણો ઓનલાઇન વાચકોએ ખૂબ વખાણ્યાં છે અને એનો સંગ્રહ ‘તને યાદ છે?’ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થયો છે.)