પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નાગરિકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો હાથ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ શરૂ થયો હતો. એ સમયમાં ઘણા સરકારી વેબસાઈટ પર સાઈબર અટેક કરવામાં આવ્યો હતો. જેમાંથી મોટા ભાગના સાઈબર અટેક નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. પરંતુ અટેક કરનારા પર સકંજો કસવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત બની હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના પ્રારંભિક અહેવાલમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સંડોવણીનો ખુલાસો થયો છે. આ પૃષ્ઠભૂમિમાં, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આણંદમાંથી જસીમ અંસારી નામના આરોપીની સાયબર ટેરરિઝમના ગુનામાં ધરપકડ કરી છે.
ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે નડિયાદનો જસીમ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. ઓપરેશન સિંદૂર, જે 7 મે, 2025થી શરૂ થયું, તે દરમિયાન ATSનો ટેકનિકલ સેલ સતર્ક હતો. જસીમે આધાર કાર્ડ વેબસાઈટ સહિત 50થી વધુ ભારતીય વેબસાઈટ્સ પર DDoS (ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ) હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં વેબસાઈટ્સ ડાઉન કરીને ભારત વિરોધી લખાણો ઉમેરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને ડિફેન્સ અને ફાઈનાન્સ સંબંધિત સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવવામાં આવી હતી.
જસીમ ટેલિગ્રામ ગ્રૂપ્સ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો અને તેણે માહિતીના બેકઅપ માટે ચેનલો બનાવ્યા હતા. ATSની તપાસમાં ખુલાસો થયો કે તેણે હેકિંગની તાલીમ ઓનલાઈન જાતે લીધી હતી. બેંક ખાતામાં ફંડિંગના કોઈ પુરાવા મળ્યા નથી, જે સૂચવે છે કે તે નાણાકીય લાભ વિના આ પ્રવૃત્તિઓ કરતો હતો. IT એક્ટની કલમ 43 અને 66(f) હેઠળ ફરિયાદ નોંધાઈ છે, અને આગળની તપાસ ચાલુ છે.
