ભગવાને આપણને દરેકને સર્વાંગી સંપત્તિ આપી છે

શનિવારની સવારે હું લેખ લખવાની મથામણ કરી રહ્યો હતો. આ ગડમથલ દર વખતની હોય છે. ક્યારેક એકાદ-બે દિવસમાં બેથી ત્રણ લેખ લખાઈ જાય અને ફરી પાછો અમુક દિવસોનું અંતર રહી જાય. આ બધો મગજનો ખેલ છે. બે-ત્રણ લેખ લખાઈ જાય એટલે મગજ શાંત થઈ જાય અને થોડા દિવસ રહીને નવો લેખ લખવાનો આવે ત્યારે ફરી જહેમત ઉઠાવવી પડે.

ઉક્ત મુદ્દા પરથી કહી શકાય કે મગજને વ્યસ્ત રાખવું અને જરૂર પડ્યે એને કામમાંથી બહાર કાઢવું એ ઘણું અઘરું હોય છે. મગજ પણ હાથ, પગ, વગેરે અવયવોની જેમ વર્તવું જોઈએ, અર્થાત્ આપણને જ્યારે જોઈએ ત્યારે એ આપણે કહીએ એમ ચાલવું જોઈએ. જો મગજ આપણી ઈચ્છા અનુસાર વર્તે તો એ આશીર્વાદ કહેવાય અને જો એ આપણા કહ્યામાં ન હોય તો અભિશાપ બની જાય છે.

મારા મિત્રના પપ્પા હંમેશાં ફરિયાદ કરતા હોય છે, “મને રાતના ઊંઘ બરોબર આવતી નથી.” તેનાથી વિપરીત, હું સાડા ચાર પાંચ વાગ્યે ઊઠી જાઉં છું. એ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અને મગજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે એ ઉત્તમ સમય હોય છે.

આપણું મગજ દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા કરે છે, પણ એ પ્રતિક્રિયા કેવી હોય એ આપણા પર નિર્ભર છે. થોડા મહિના પહેલાં હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુવાનો વચ્ચેનો વાર્તાલાપ ટીવી પર જોઈ રહ્યો હતો. એક યુવાને એમને સવાલ કહ્યો, “સાહેબ, તમે અડધો ભરેલો ગ્લાસ જુઓ છો કે અડધો ખાલી છે એ જુઓ છો?” વડા પ્રધાને ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર જવાબ આપ્યો, “મને ગ્લાસ આખો ભરેલો દેખાય છે; અડધો પાણીથી અને અડધો હવાથી.”

જ્યારે મને કોઈ પૂછે કે તમને નાના તળાવની મોટી માછલી બનવું ગમે કે મોટા તળાવની નાની માછલી બનવું ગમે? ત્યારે મારો જવાબ હોય છે, “મને બધા મહાસાગરોની મોટામાં મોટી માછલી બનવાનું ગમે.” વિચારોમાં શું કામ દરિદ્રતા રાખવી!

યોગિક સંપત્તિનો સંબંધ અન્ય બધા પ્રકારની એટલે કે શારીરિક, સામાજિક, ભાવનાત્મક, પર્યાવરણીય, વગેરે સંપત્તિ પ્રત્યેની આપણી પ્રતિક્રિયા સાથે છે. ભગવાને આપણને દરેકને સર્વાંગી સંપત્તિ આપી છે. જો આપણે પૈસાને જ સંપત્તિ ગણીએ તો આપણી માનસિક હાલત ઘણી જ ખરાબ બની જાય છે. તેનું કારણ એ છે કે પૈસા મૂર્ત (નક્કર) વસ્તુ છે અને આપણે એની ગણતરી કરી શકીએ છીએ, પરંતુ બીજા બધા પ્રકારની સંપત્તિ અમૂર્ત છે અને તેની ગણતરી થઈ શકતી નથી. એ બધી સંપત્તિનું આકલન આપણું અંતઃકરણ જ કરી શકે છે.

તમે પોતે જ વિચાર કરો, અત્યાર સુધીની જિંદગીમાં ભગવાને તમને કેટલા દિવસ ભોજન આપ્યું નથી? ધારો કે તમને ક્યારેક ખાવાનું આપ્યું નહીં હોય, છતાં તમે અત્યારે જીવતા છો. તમારી પાસે પહેરવા માટે કેટલી જોડી કપડાં છે? શું તમારા માથે છાપરું છે? તમને જે મળ્યું છે એ કદાચ તમને ન ગમતું હોય, પરંતુ હકીકત તો એ છે કે ભગવાને તમને આજ સુધી જીવંત રાખ્યા છે. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી ઘણી વાર કહેતા, “જ્યારે મને દાંત ન હતા ત્યારે ભગવાને મને માતાનું દૂધ આપ્યું અને હું દાંત આવી ગયા છે તો શું એ ખાવાનું નહીં આપે?”

ભગવાનમાં શ્રદ્ધા રાખો, એમનું શરણું લઈ લો. તમારા જીવનમાં એનો જ સાથ સર્વોત્તમ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)