‘શોલે’માં મહાન જ્ઞાની શ્રી ગબ્બરસિંહ કહી ગયો હતો : “જો ડર ગયા, સમજો મર ગયા.”
આજે આખી દુનિયામાં કોરોનાનો ડર છે. આ ડર એટલો બધો ડરામણો હતો કે લોકોએ ડરના માર્યા પોતાના જ દેશના શેરબજારોને તળિયે બેસાડી દીધાં ! આને કહેવાય “આ બૈલ મુઝે માર !”
ચાલો, શેરબજારો તો આપણા અખાના પેલા છપ્પા જેવાં છે : “વા વાયાને નળિયું ખસ્યું, એ જોઈને કૂતરું ભસ્યું… ” પરંતુ એ પછી કોરોનાનાં કૂતરાંનો ભય એવો પ્રસરી ગયો કે શહેરોનાં શહેરો જ લોક-ડાઉન થઈ ગયાં ! નેવુ ટકા ધંધા બંધ પડી ગયા. પણ, કયો ધંધો ધમધોકાર ચાલતો રહ્યો ? ડર ફેલાવવાનો ધંધો ! યાને કે દુનિયાભરની ન્યુઝ ચેનલો અને દુનિયાભરનાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મો !
પંચતંત્રમાં ‘વાઘ આવ્યો રે વાઘ..’ની બૂમો પડતી ત્યારે ગામ લોક હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળી આવતા ! જ્યારે અહીં ? અડધો અડધ દુનિયા પોતપોતાના ઘરમાં ભરાઈ ગઈ !
કારણ શું ? મોતનો ડર ?
ના ભઈ ના, માત્ર મોતનો ડર નથી. માણસ સિગારેટ પીએ છે ત્યારે તેના ખોખા ઉપર છાપેલું પેલું બિહામણું ચિત્ર તે જુએ જ છે. તમાકુ, ગુટખા, ખૈની, પાન-મસાલા ખાય છે ત્યારે એને ખબર જ છે કે કેન્સર થવાના જોરદાર ચાન્સ છે. છતાં તે શા માટે એની લહેજત માણે છે ? કારણ કે… ‘ખબર છે !’
જી હા, ખબર છે કે કેન્સરનો પણ ઈલાજ છે. ટ્રિટમેન્ટ કરાવતાં કરાવતાં પણ સાત વરસ સુધી જીવી શકાય છે. આવા તો બીજા અનેક જાનલેવા રોગ છે. પણ માણસ કેમ ડરતો નથી ? કેમ કે… ‘ખબર છે !’
કોરોનાના કિસ્સામાં એવું છે કે પેલા આનંદ ફિલ્મના ડાયલોગ મુજબ, “કબ, કૌન, કૈસે ઊઠેગા… કોઈ નહીં જાનતા !” ફિર ભી, હમ જાનતે હૈં… બહોત કુછ જાનતે હૈં !
શું જાણીએ છીએ આપણે ? કે વાયરસ ચીનમાંથી આવ્યો છે. વાયરસનો ચેપ ગમે ત્યાં તે ચીજને ‘અડવા’થી લાગે છે, ચેપ લાગ્યા પછી સાત દહાડે લખ્ખણ દેખાય છે, અને પંદર-વીસ દિવસમાં “આદમી ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ !”
કોરોના વિશે માણસને ‘માહિતી’ તો ઢગલાબંધ મળે છે, પરંતુ 100માંથી 99 માહિતી તેને ડરાવવાનું કામ કરે છે !
તો સવાલ એ છે બન્ધુ, કે શું આ ‘જાણ્યાનું જ ઝેર’ છે ને ?
બાકી જો તમે ના જાણતા હોત તો આ મોબાઈલમાં આવું વાંચવાને બદલે શાંતિથી ચ્હા પીતા પીતાં સોફામાં બેસીને છાપું ના વાંચતા હોત ?
– એ પણ ડર્યા વિના ?!
(મન્નુ શેખચલ્લી)