ગુજરાત ATSએ વડોદરામાંથી શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

વડોદરાઃ ગુજરાતના વડોદરામાંથી એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ATS દ્વારા કરવામાં આવી છે. તેની પાસેથી એક રાઇફલ અને 20થી વધુ જીવંત કારતૂસ મળી આવ્યા છે. આ કાર્યવાહી બાદ ATSનું મોટું ઓપરેશન હજુ ચાલુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ ધરપકડ શુક્રવારે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ નજીક કરવામાં આવી હતી. ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ હથિયારો સાથે આ વિસ્તારમાંથી પસાર થવાની છે. ત્યાર બાદ ATSની ટીમે વિસ્તારમાં વોચ ગોઠવી એક વાહનને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી AK-47 અને કારતૂસ મળી આવ્યા હતા. ત્યાર બાદ આરોપીને સ્થળ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

શંકાસ્પદ આરોપી આસામનો રહેવાસી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી મૂળ આસામનો રહેવાસી છે અને તે આસામથી ગુજરાત આવ્યો હતો. ATSના જણાવ્યાનુસાર આરોપીને પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની આશંકા છે. જોકે, ATSએ હજુ સુધી આરોપીની ઓળખ જાહેર કરી નથી. એજન્સીનું કહેવું છે કે મોટું ઓપરેશન હજુ ચાલુ હોવાથી આરોપીનું નામ અને અન્ય વિગતો જાહેર કરવાથી તપાસને નુકસાન થઈ શકે છે. ધરપકડ બાદ આરોપીને પૂછપરછ માટે અમદાવાદ ATS મુખ્યાલય લઈ જવામાં આવ્યો છે. ત્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

AK-47 સાથે 20 કારતૂસ જપ્ત

પકડાયેલા શંકાસ્પદ પાસેથી ATSને AK-47 સાથે 20 જીવંત કારતૂસ મળી આવ્યા છે. હાલમાં  મામલાની તપાસ ચાલી રહી છે. આરોપી એકલો હતો કે તેની પાછળ કોઈ મોટું આતંકવાદી મોડ્યુલ કાર્યરત છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ATS તેના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ્સ, સોશિયલ મીડિયા અને સંપર્કોની તપાસ કરી રહી છે. આ ઉપરાંત તે જૈશ-એ-મોહમ્મદ સાથે ક્યારથી જોડાયેલો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ATSના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને છ મહિનાથી વધુ સમયથી ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. ગુપ્ત માહિતી મળ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.