અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને તેની CSR શાખા ઈન્દ્રશીલ કાકા બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે, મહિલા સશક્તીકરણ અને ગ્રામ વિકાસ માટે કાર્યરત સ્વનિર્ભર મહિલાઓના સંગઠન (SEWA) સાથે હાથ મિલાવ્યા છે. આ સહયોગનો ઉદ્દેશ ગ્રામ સમુદાયોમાં અને ખાસ કરીને મહિલા સશક્તીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ (LSTT) સાથે મળીને અમદાવાદ અને ભરૂચ જિલ્લાનાં 10 ગામમાં સેવા શક્તિ કેન્દ્રોની શરૂઆત કરી છે.
સેવા શક્તિ કેન્દ્રો આરોગ્ય અને સ્વચ્છતા, શિક્ષણ, પર્યાવરણ, અને ગામડાંની માળખાગત સુવિધાઓ જેવા સ્થાનિક ધોરણે સ્પર્શતા મુદ્દા હલ કરવામાં મહત્વની ભૂમિકા બજાવશે. આ કેન્દ્રો સમૂહ બેઠકો, સભાઓ, ઘેરેઘેર સર્વેક્ષણ વગેરે હાથ ધરશે તથા અન્ય અસરકારક ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન (IEC) ટેક્નિક્સ મારફતે સરકારની કલ્યાણ યોજનાઓ અંગે જાગૃતિ પેદા કરશે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સખાવતી શાખા ઇન્દ્રશીલ કાકા બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરિયા જણાવે છે કે આ સહયોગ તથા સમગ્રલક્ષી સામુદાયિક વિકાસના સમન્વયથી અમે સેવા (SEWA) સાથે સહયોગ કરીને ગ્રામ્ય ગુજરાતના સમુદાયોની મહિલાઓ અને વિવિધ સમુદાયોમાં તેમની જરૂરિયાતો સંતોષીને, પર્યાવરણલક્ષી વિકાસને પ્રોત્સાહન આપીને તથા તેમના આરોગ્યલક્ષી તથા હિતકારી મુદ્દા હલ કરીને દૂરગામી અસર સર્જવા માગીએ છીએ.
સેવા કેન્દ્રો સમુદાયના સભ્યોને વિધવા પેન્શન, વૃદ્ધાવસ્થા પેન્શન, સ્કોલરશિપ્સ વગેરે માટેની તથા અન્ય પ્રક્રિયાઓ હાથ ધરીને અને કેટલાક કિસ્સાઓમાં 10થી 20 વર્ષથી બંધ થયેલી સરકારી સહાય મેળવવા માટે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં યોગ્ય દરમ્યાનગીરી કરીને સહાયક બનશે. એક સર્વેક્ષણમાં જણાયું છે કે પોતાના દસ્તાવેજોમાં વિસંગતતાને કારણે સમુદાયના અંદાજે 10,000 સભ્યોને સરકારી સહાય મેળવવામાં અવરોધ નડી રહ્યો છે. તેમની ટીમ જુલાઈ સુધીમાં આવા 90 ટકા કેસ હલ કરવાનુ ધ્યેય ધરાવે છે.