આજે થોડી હળવી પળોમાં વાત કરવી છે. પાંડવો વનવાસમાં હતા. એક જગ્યાએ કાંઈક ચર્ચા-વિચારણા ચાલી રહી હતી ત્યાં એક યાચક આવી ચડ્યો. આ વાટાઘાટોમાં ગૂંચવાયેલા યુધિષ્ઠિરે સહેજ કંટાળા સાથે એને કહ્યું, ‘આવતી કાલે આવજે.’
પાંચેય પાંડવોમાં ભીમ એના મશ્કરા સ્વભાવ માટે જાણીતો હતો. એ પોતાની પાસે એક ઢોલ પણ રાખતો. યુધિષ્ઠિરનો જવાબ સાંભળી ભીમભાઈ ઊભા થઈ ઢોલ વગાડતાં વગાડતાં નાચવા લાગ્યા. અર્જુને પૂછ્યું, ‘મોટાભાઈ, શું થયું?’ ભીમનો જવાબ હતો, ‘અરે! બધાં આનંદો. આપણા મોટાભાઈએ કાળને જીત્યો છે!! આવતીકાલે એ આ યાચકને દાન આપવા માટે અને આ યાચક દાન લેવા આવવા માટે હયાત હશે તેનો એમને કેટલો ગજબનો વિશ્વાસ છે? નાચ ભાઈ, નાચો! નાચો!!’
આ ક્ષણ જ તમારી છે, વીતી ગઈ તે ગઈ અને આવનાર પળ પર તમારો કોઈ કાબૂ નથી. જીવનની આવી સરસ મજાની ફિલોસોફી હળવાશથી ભીમ સમજાવી દે છે.
કવિ અનામીની કેટલીક પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે:
‘ગત તે ગત
અનાગતની અજાણ ગત
સાચો એક સાંપ્રત
વિમલ વિવેક પૂર્વક
જીવીએ સાંપ્રતને
એમાંજ આપની શાન’
એટલે જ તો કહ્યું છે કે,
‘काल करे सो आज कर, आज करे सो अब,
पल में प्रलय होएगी, बहुरि करेगा कब’
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)