મુંબઈ: 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભની આતુરતાથી દેશ રાહ જોઈ રહ્યો છે. કરોડો ભક્તો મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી લગાવશે. આ મેળામાં ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ બૉલિવૂડના સ્ટાર્સ પણ પ્રયાગરાજ પહોંચી કુંભ સ્નાન કરી શકે છે. કુંભ મેળા માટે અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ભવ્ય, દિવ્ય અને અલૌકિક મહાકુંભના આયોજન માટે હવે થોડા જ દિવસો બાકી છે. આ સમય દરમિયાન ઘણા સેલેબ્સ પણ આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ જશે અને મહાકુંભમાં સ્ટાર્સને મેળાવડો થશે.
બોલિવૂડ-ટોલીવુડ અને ટીવી જગતના ઘણા કલાકારો મહાકુંભ કાર્યક્રમમાં ભાગ લઈને તેની ભવ્યતામાં વધારો કરી શકે છે. આ યાદીમાં સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. કેપી ટ્રસ્ટના આમંત્રણ પર બિગ બી ભવ્ય મેળામાં સામેલ થઈ રહ્યા છે. ટ્રસ્ટના ચેરમેને આ વાતની પુષ્ટિ કરી છે. અમિતાભની સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા નંદા પણ આવે તેવી શક્યતા છે.
આ સ્ટાર્સનો પણ સમાવેશ થશે
મહાકુંભમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિવેક ઓબેરોય, આશુતોષ રાણા અને રાજપાલ યાદવ જેવા અન્ય ફિલ્મ સ્ટાર્સના આગમન વિશે પણ ચર્ચા થઈ રહી છે.
આ સિતારાઓ મહાકુંભમાં ક્યારે પહોંચશે, તે દિવસ અને તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો ફક્ત વૈભવી અને આધુનિક સુવિધાઓવાળા કેમ્પોમાં જ રહેશે. ત્યાં તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સુરક્ષા અને કાયદો તથા વ્યવસ્થા માટે પણ મજબૂત વ્યવસ્થા કરવામાં આવશે. ફિલ્મ સ્ટાર્સનું આગમન પોષ પૂર્ણિમાથી શરૂ થઈ શકે છે. બધા સેલિબ્રિટીઓ તેમના આધ્યાત્મિક ગુરુઓના શિબિરમાં પહોંચશે.
મહાકુંભમાં ગાયકોનો સંગમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાકુંભમાં ખાસ સંગીત વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેમાં ઘણા પ્રખ્યાત કલાકારો ભક્તિ સંગીત ગાશે અને પોતાના અવાજોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. કૈલાશ ખેર, શંકર મહાદેવન, માલિની અવસ્થી, સોનુ નિગમ, મૈથિલી ઠાકુર, કવિતા પૌડવાલ, જુબિન નૌટિયાલ અને શ્રેયા ઘોષાલ જેવા પ્રખ્યાત કલાકારો આ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.