નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકો છિદ્રવાળા શ્વાસયંત્ર (વોલ્વ્ડ રેસ્પિરેટર) લગાડેલા એન-95 માસ્ક પહેરે એ મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ચેતવણી જાહેર કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી કોરોના વાયરસ ફેલાતા અટકતો નથી અને કોવિડ-19 મહામારી વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાંથી આ વિપરીત છે.સ્વાસ્થ્ય મંત્રાલયમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ રાજીવ ગર્ગે રાજ્યોના હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મામલાઓના અગ્ર સચિવોને પત્ર લખ્યો છે. આ પત્રમાં ડિરેક્ટર જનરલ ગર્ગે કહ્યું છે કે, એ તથ્ય સામે આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. વિશેષ રુપથી આવા એન-95 માસ્ક ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જેમાં વોલ્વ્ડ રેસ્પિરેટર લગાડેલા છે.
રાજીવ ગર્ગે કહ્યું કે, આ પ્રકારના એન-95 માસ્ક કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે લેવામાં આવેલા પગલાંઓથી તદ્દન વિપરિત છે કારણ કે, વાયરસને માસ્કની બહાર આવતા આ રોકતું નથી. આને જોતા હું આપને આગ્રહ કરું છું કે, તમામ સંબંધિત લોકોને નિર્દેશ આપે કે ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકે.