અરવલ્લીમાં કિશોરે તરુણી પર અપહરણ અને દુષ્કર્મ આચર્યું

અમદાવાદઃ ભારતીય સમાજમાં સોશિયલ મિડિયાનો વપરાશ કૂદકે ને ભૂસકે વધ્યો છે, ખાસ કરીને બાળકોમાં સોશિયલ મિડિયાનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો છે. અરવલ્લીમાં 16 વર્ષના કિશોરે 10 વર્ષની તરુણીનું અપહરણ કર્યું છે. આ ઉપરાંત એ કિશોરે તરુણી પર દુષ્કર્મ કર્યાનો ખુલાસો પણ થયો છે. બાળકી અને કિશોરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ 16 વર્ષના કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. આ કિસ્સા પરથી ગુજરાત પોલીસે માતાપિતાને સજાગ રહેવા અપીલ છે.

પોલીસે જણાવ્યું હતું કે માતાપિતા બાળકોનું ધ્યાન રાખે. અરવલ્લીના ડીવાય એસપી ડી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરે અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશનમાં સાડાદસ વર્ષની તરુણીના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.

પોલીસે ગણતરીના કલાકોમાં સગીર કિશોર અને 10 વર્ષની બાળકીને શોધી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સગીર કિશોર અને બાળકીને સોશિયલ મિડિયા પર પ્રેમ થયો હતો. જેને પગલે બંન્ને બાળકો ઘર છોડી ભાગી ગયાં હતાં.

પોલીસે તરુણીનાં માતા-પિતાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ તરુણી અને મોટી બહેન તેની માતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હતી. બન્ને બહેનોના સાત જેટલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા. જેમાંથી પાંચ બંધ હતા અને બે એક્ટિવ હતા. જેમાં તરુણી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોળ વર્ષના કિશોરના સંપર્કમાં આવી હતી. 31 ડિસેમ્બરે કિશોર તરુણીનું અપહરણ કરીને લઈ ગયો હતો.

કેન્દ્ર સરકારે હાલમાં જ બાળકોના સોશિયલ મિડિયા એકાઉન્ટ બનાવવા માટે વાલીની મંજૂરી ફરજિયાત કરી છે, પણ કોઈ દંડની કોઈ જોગવાઈ નથી કરી.