આજથી સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ, બુરખો અથવા અન્ય કોઈપણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 1000 સ્વિસ ફ્રેંક એટલે કે અંદાજે 96 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. 2021માં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા જનમત સંગ્રહમાં 51.21% નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ મતદાન બાદ બુરખા પર પ્રતિબંધ મામલે કાયદો બનાવવામાં આવ્યો, જે આજથી એટલે કે 1 જાન્યુઆરી 2025 (નવું વર્ષ) થી લાગુ થયો છે. સ્વિટ્ઝર્લેન્ડ પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયામાં પણ આ અંગેના કાયદાઓ બન્યા છે. આ કાયદા બાદ મહિલાઓ સાર્વજનિક ઓફિસો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરાં, દુકાનો અને અન્ય જગ્યાઓ પર પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. 2022માં રાષ્ટ્રીય પરિષદ, સ્વિસ સંસદના નીચલા ગૃહ, ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાના કાયદા પર મત આપ્યો. આ દરમિયાન 151 સભ્યોએ તરફેણમાં અને 29 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. જે બાદ આ અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે આ કાયદો અન્યાયી રીતે મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવે છે. આ કાયદાનું સમર્થન કરનારા લોકો દાવો કરે છે કે સાર્વજનિક સ્થળો પર સાંસ્કૃતિક મૂલ્ય અને સુરક્ષા માટે આ જરૂરી પગલું છે. જ્યારે યુરોપ અને ગલ્ફ દેશોમાં બુરખાને બદલે નકાબ વધુ લોકપ્રિય છે. નકાબ પણ એક પ્રકારનો પડદો છે, જે સામાન્ય રીતે ચહેરાના માત્ર નીચેના અડધા ભાગને જ ઢાંકે છે અને આંખોની આસપાસ ખુલ્લો રહે છે.