રઝાને રાજજીએ શાયરમાંથી રાજા બનાવ્યા  

રઝા મુરાદની કારકિર્દીમાં બે ફિલ્મો ‘નમક હરામ’ (૧૯૭૩) અને ‘પ્રેમ રોગ’ (૧૯૮૨) મહત્વની બની હતી. અભિનેતા મુરાદના પુત્ર રઝા માટે પૂણેના ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ લઈને બહાર આવ્યા પછી પણ કામ મેળવવાનું સરળ રહ્યું ન હતું. એક દિવસ ગુલઝારનો રઝાને ફોન આવ્યો કે ઋષિકેશ મુખર્જીને તારા માટે એક રોલની ભલામણ કરી છે. રઝા જ્યારે ઋષિદાને મળવા ગયા ત્યારે એમણે માહિતી આપી કે તે ‘નમક હરામ’ બનાવવા જઈ રહ્યા છે. એમાં એક શાયરની ભૂમિકા છે. પછી કહ્યું કે આવી ભૂમિકા નસીબદાર અભિનેતાને 20 વર્ષમાં મળતી હોય છે. કમનસીબને ક્યારેય મળતી નથી. પછી સૂચના આપી કે પ્રોડકશન મેનેજર તને ખાદી ભવનમાંથી બે જોડી કપડાં અપાવશે એને તારે ઘરમાં પણ પહેરવાના છે.

રઝાએ કુર્તા- પાયજામાની બે જોડ લઈ લીધી. શૂટિંગના પહેલા દિવસે ઋષિદાના સહાયક રહેલા ગાયક નિતિન મુકેશે રઝાને ચેતવણી આપી કે રાજેશ ખન્ના હીરો છે અને તેઓએ આ ભૂમિકા માટે પોતાના ગુરૂ જેવા વી.કે. શર્માના નામની ઋષિદાને ભલામણ કરી હતી. પણ તે માન્યા ન હોવાથી અપસેટ થઈ ગયા હતા. એવું બની શકે કે એમનો તારા પ્રત્યેનો વ્યવહાર બહુ સારો ના હોય. રઝા મુરાદે આ કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું કે ત્યારે ‘ઉપર આકા અને નીચે કાકા’ જેવી સ્થિતિ હતી. ‘કાકા’ રાજેશ ખન્નાને જોવા પહેલા દિવસે શૂટિંગ વખતે 2000 જેટલી છોકરીઓ આવી હતી. રઝાએ રાજેશ સાથે પોતાનો પરિચય કરાવવા ઋષિદાને વિનંતી કરી એટલે એમણે પરિચય આપ્યો ત્યારે ખન્નાએ બહુ શાલીનતાથી વાત કરી હતી.

 

ખન્નાએ એવું ક્યાંય લાગવાના દીધું કે તેમની ભલામણ વિરુધ્ધ રઝાને લીધો છે એની નારાજગી છે. રઝા દૂબળાપાતળા અને બેસેલા ગાલવાળા પણ બુલંદ અવાજના ધની હતા એટલે ઋષિદાએ પાત્ર મુજબ પસંદ કર્યા હતા. રાજેશે પાછળથી રઝાના શાયરના અંદાજના એમ કહીને વખાણ કર્યા હતા કે તે કૈફી આઝમી જેવા લાગે છે. ફિલ્મ રજૂ થઈ ત્યારે રઝાના બહુ વખાણ થયા અને નોંધ લેવાઇ. એ પછી રઝાને વર્ષો બાદ મોટી ભૂમિકાવાળી ફિલ્મ ‘પ્રેમ રોગ’ મળી હતી. રાજ કપૂરે જ્યારે કાસ્ટિંગ શરૂ કર્યું ત્યારે રાત્રે સાડા ત્રણ વાગે એમના સાળા અને પ્રોડકશન મેનેજર રવિ મલ્હોત્રાને ફોન કરીને કહ્યું કે ઋષિદાએ મજૂરોની સમસ્યા પર એક ફિલ્મ ‘નમક હરામ’ બનાવી હતી. એમાં લાંબો અને દૂબળો પણ ભારે અવાજવાળો યુવાન શાયર બન્યો હતો. મુરાદના એ પુત્રને બોલાવી લાવો.

રાજજીને રઝાના નામની ખબર ન હતી. એમને ભૂમિકા યાદ રહી ગઈ હતી. રઝા મળવા ગયા ત્યારે રાજજીએ કહ્યું કે મારા મનમાં રાજા વીરેન્દ્ર પ્રતાપસિંહની ભૂમિકા માટે તમે જ છો. જો ના પાડશો તો જ બીજા કોઈ વિશે વિચારીશું. ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા સાંભળી રઝા ડરી ગયા. એ પોતાને એટલા મોટા અભિનેતા માનતા ન હતા. એમણે વિચાર્યું કે ‘નમક હરામ’ પછી ઈન્સ્પેકટર કે વકીલની ભૂમિકાઓથી કામ ચલાવી રહ્યો છું. આ તક છોડવા જેવી નથી. એક દિવસ રાજજીએ રઝાને બોલાવીને ભૂમિકા સમજાવી અને મેનેજરને એમના માટે કપડાં સીવડાવવા કહ્યું. રઝા જ્યારે પહેલા દિવસે રાજાનો ડ્રેસ પહેરીને આયના સામે ઊભા રહ્યા ત્યારે પોતાને જ ઓળખી શક્યા ન હતા. જ્યારે ફિલ્મ માટે રઝાની પસંદગી થઈ ત્યારે રાજજીના નજીકના લોકોએ જ નહીં પુત્રોએ પણ રઝાની કાબેલિયત વિશે શંકા વ્યક્ત કરી હતી. જ્યારે ફિલ્મના દ્રશ્યો એ બધાએ જોયા ત્યારે માની ગયા કે રાજ કપૂરે યોગ્ય કલાકારની પસંદગી કરી છે. આ ફિલ્મથી રઝા મુરાદની કારકિર્દી બની ગઈ હતી.