અમિતાભ સાથેની ફિલ્મોથી નિર્દેશક તરીકે જબરદસ્ત સફળતા મેળવનાર પ્રકાશ મહેરાએ મુંબઇ આવીને બહુ ગરીબી અને મુશ્કેલીમાં દિવસો વીતાવ્યા હતા. ઉત્તરપ્રદેશના બીજનોરમાં મેટ્રિક પાસ કરી ફિલ્મોના શોખને કારણે રૂ.૪૨ લઈ ૧૯૫૮ માં મુંબઇ આવ્યા હતા. પહેલાં એમના દૂરના એક મામા મરીન ડ્રાઈવ પર રહેતા હતા એમને ત્યાં રોકાયા હતા. મામાના ઘર નજીક એક બિલ્ડીંગમાં સંગીતકાર ઓ.પી. નૈયર રહેતા હતા. એમને ત્યાં સંગીત સાંભળવા જતાં હતા ત્યારે પોતાને લેખનનો શોખ હોવાનું જણાવ્યું હતું. એક દિવસ એમણે ગીતો લખવા કહ્યું અને પ્રકાશે સંભળાવ્યા એ પછી કહ્યું કે તારામાં કાબેલિયત છે. એ ત્યારે વ્યસ્ત હોવાથી એક મહિના પછી મળવા કહ્યું હતું. દરમ્યાનમાં મામાના પુત્રને આર્મીમાં જવું હોવાથી પ્રકાશને પણ વહેલી સવારે એની સાથે દોડવા મોકલતા હતા. એ વાતથી કંટાળીને એમનું ઘર છોડી દીધું હતું.
કોઈ ઠેકાણું ન હોવાથી ફૂટપાથ પર કે રેલવે સ્ટેશન પર ચણા ખાઈને રહેતા હતા. ક્યારેક મુંબઈ એરપોર્ટ પર કુલી તરીકે કામ કર્યું હતું એ વાતનો ઉલ્લેખ પણ એમણે ‘ઉજાલે ઉનકી યાદોં કે’ રેડિયો કાર્યક્રમમાં કર્યો હતો. એ એટલા ખુદ્દાર હતા કે પાછા મામાને ત્યાં જવા માગતા ન હતા. દરમ્યાનમાં તે લેખક બનવા માગતા હોવાથી કામ શોધવા ફિલ્મ ડિવિઝનમાં જતા રહેતા હતા. ત્યારે મોર્યા નામના એક ભાઈ સાથે ઉત્તેરપ્રદેશના હોવાથી કોઈએ ઓળખાણ કરાવી હતી. મોર્યાને ખબર પડી કે વિનોદ દેસાઈને ફિલ્મના કેટલાક શૉટ લેવા યુવાનની જરૂર છે. ત્યારે પ્રોડકશન મેનેજર તરીકે કામ કરતા પ્રકાશની એક લેખક તરીકે પણ ઓળખ આપી. એ સાથે એમ પણ કહ્યું કે મારી પાસે સામાન્ય કામ કરવા કરતાં તમારી સાથે કરશે તો એ વધારે હોશિયાર બનશે.
વિનોદ દેસાઈની ભલામણથી એમને ત્યાં પણ કામ મળી ગયું. દરમ્યાનમાં ઇન્દુભૂષણ નામનો માલેતુજાર માણસ મળ્યો અને પોતે પૈસા રોકશે પણ પ્રકાશને કમર્શિયલ ફિલ્મ બનાવવા કહ્યું હતું. ત્યારે પ્રકાશ મહેરાએ મિત્ર એસ.એમ. અબ્બાસ પાસે ‘હસીના માન જાયેગી’ ની વાર્તા હોવાથી એના પર ફિલ્મ બનાવવા નક્કી કર્યું હતું. પણ એક વર્ષ પોતે મોહન સહગલને ત્યાં ફિલ્મ સંબંધી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી લે ત્યાં સુધી ઇન્દુભૂષણને રોકાવા કહ્યું હતું. મોહન સહગલને ત્યાં કામ શીખતા હતા ત્યારે કોઈએ વખાણ કર્યા હશે એટલે નિર્માતા ગૌરીશંકર ગોયલ અને જગદીશ શર્માએ રૂ.૫૦૦૦૦ આપીને કહ્યું કે સાથે તમને એક ફિયાટ કાર અને ફ્લેટ આપીશ પણ નિરૂપા રોય અને જયરાજને લઈને ઐતિહાસિક ફિલ્મ ‘અમરસિંહ રાઠોડ’ બનાવો. પ્રકાશ મહેરા ગૂંચવાઈ ગયા. નિર્દેશક તરીકે પહેલી જ ઓફર બહુ મોટી હતી.
(આગામી લેખમાં વાંચો: પ્રકાશ મહેરાએ શું નિર્ણય લીધો હતો? ‘હસીના માન જાયેગી’ કેવી રીતે બનાવી? અને પછી ફિલ્મ ‘આન બાન’ થી શાન કેવી રીતે ગુમાવી?)