નિખાર આજે ખરેખર ખૂબ જ ઉદાસી અને માયૂસીના ઓળા નીચે દબાયેલી હતી. આવું થાય જ કેમ? દુનિયામાં આવા પણ લોકો હોય છે ખરા કે? મારો વાંક કે પછી શું ભૂલ થઇ છે એ કહેવાની વાત તો દૂર, પણ અહીં તો સીધો જ રસ્તો બતાવી દીધો! ના, હું આ બધાને છોડવાની નથી. બસ, મારો સમય આવવાની રાહ જોઇશ…
નિખાર મહેરા. શહેરના એક પ્રખ્યાત મેગેઝીન “પુષ્પક” ની કોલમિસ્ટ અને એડિટર. છેલ્લા પાંચ વર્ષથી એ આ મેગેઝીનમાં તન-મન-ધનથી કામ કરી રહી હતી. રાત-દિવસ જોયા વિના લોહી-પાણી એક કરીને તેણે આ મેગેઝીનનો ફેલાવો દસગણો વધાર્યો હતો. “પુષ્પક” અને નિખાર એ બન્ને જાણે એકબીજાના પર્યાય બની ચૂક્યા હતા. શહેરના સાહિત્યપ્રેમીઓ, મોટા ઉદ્યોગપતિઓ, જાણીતા ફિલ્મસ્ટાર્સ સહિત સૌ કોઇ મોટા લોકો તેને ઓળખતા. તે પોતે પણ આ બધા લોકોને ખૂબ સારી રીતે ઓળખતી થઇ ગઇ હતી.
સખત મહેનત, ધગશ, ઉત્સાહી સ્વભાવ અને કલમની કળા એ બધાના કારણે એ મેગેઝીનની માલિક સપના જૈનનો વિશ્વાસ પણ જીતી ચૂકી હતી.
તો પછી અચાનક તેને રાતોરાત એડિટરની પોસ્ટ પરથી કાઢી મૂકવાનું કારણ? આમ તો આ કારણની કોઇને ખબર ન પડી, પણ નિખાર મહેરા હવે સાવ નવરી પડી ગઇ હતી એ હકીકત હતી. હવે શું કરવું એ વિચારે તે ઉદાસ થઇ ગઇ. ખૂબ જ સારી રાઇટર હોવાની સાથે તે મૂડી પણ એટલી જ હતી. મૂડ બને ત્યારે જ લખી શકે. અન્યથા, તમે ફોર્સ કરો કે ડેડલાઇન હોય… નિખાર લખી ન શકે તે લખી ન જ શકે.
આમને આમ પંદર દિવસ વીતી ગયા. બહાર કોઇની સાથે વાતચીત કરી શકે તેવી હાલત નહોતી. ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં કરતાં તે પોતાને સાંત્વના આપી રહી કે જે થયું તે સારું જ થયું. કદાચ ઇશ્વર તેના માટે કોઇ નવા જ દરવાજા ખોલવા જઇ રહ્યા હશે.
આમ પણ તે એકલી જ હતી. પાંત્રીસની થઇ હોવા છતાં તેણે લગ્ન કર્યાં નહોતા. ઘણાં સારા યુવકોએ અપ્રોચ કરેલો, પણ તેના મનમાં કોઇ વસ્યુ નહોતું. હા, એક વ્યક્તિ હતી જે તેને ખૂબ ગમતી. તેને મળવાની ઇચ્છા થતી. તેની સાથે વાતો કરવાની, તેની સાથે કારણ વગર કલાકો સુધી બેસવાની તેની ઇચ્છા હતી….
આ વ્યક્તિ એટલે શહેરનો જાણીતો યુવાન બિઝનેસમેન અને યુથ લીડર તત્સત પારેખ. તત્સતને તે હંમેશા ટીવી પર ઇન્ટર્વ્યૂમાં કે તેના પર્સનલ પોડકાસ્ટ પર જોતી. વારંવાર તેને જાતી-સાંભળતી. તેની ઝીણામાં ઝીણી બાબતોને ઓબ્ઝર્વ કરતી. એડિટર હોવાના કારણે તત્સત વિશેની તમામ માહિતી ભેગી કરવાનું તેના માટે આસાન હતું. બસ, તેને એકલાં મળીને પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરવાની તક નહોતી મળતી. ક્યારેક કોઇક ફંક્શનમાં હાઇ હલ્લો માટે મળવાનું થતું, પણ એ ય બધાની હાજરીમાં. એકલા મળવાનું ક્યારેય થયું નહોતું. હા, કોઇ પાર્ટીમાં મળ્યા હોય ત્યારે તીરછી નજરે તે તત્સતને જાયા કરતી.
“પુષ્પક” માંથી નીકળ્યા પછી હવે નિખારે પોતાના વિષે વિચારવાનું શરૂ કર્યું. છેલ્લા બે-ત્રણ મહિનાથી તે બહારની દુનિયાથી કટ-ઓફ હતી. લખવાનું પણ ખાસ બનતું નહોતું. શહેરના બીજા એક-બે પબ્લિશરોએ તેનો સંપર્ક કર્યો, પણ વાત જામી નહીં. તે ભલી ને તેનું ઘર ભલું! એકલી પડેલી નિખાર વધારે એકલતા અનુભવવા લાગી.
એવામાં એક દિવસ ઘરે અકારણ કોઇ બુકના પાનાં ઉથલાવી રહેલી નિખારના મોબાઇલ સ્ક્રીન પર એક મેસેજ ઝબક્યોઃ હાય! હાઉ આર યુ? કેન વી ટોક? નંબર અજાણ્યો હતો, પણ શું હશે એમ વિચારીને તેણે જવાબમાં યસ લખી નાખ્યું.
તરત જ કોલ આવ્યો, “હાઇ! ગુડ ઇવનિંગ નિખાર!”
અવાજ થોડો પરિચિત લાગ્યો, પણ એ પૂછે એ પહેલાં જ સામેવાળી વ્યક્તિએ આછા સ્માઇલ સાથે ઘેરા અવાજમાં ખુલાસો કર્યોઃ તત્સત હિયર મેડમ.. મળવાની ઇચ્છા હતી. ફાવશે?
નિખાર માટે તો ના પાડવાનો ક્યાં સવાલ જ હતો?! સાંજે જાણીતી હોટેલની કોફી શોપમાં મળવાનું નક્કી કરીને પાંચ મિનીટ પછી ફોન મૂકાયો ત્યારે જાણે તે હોશમાં આવી. ઓહ! તો તત્સતે તેને નવા જ શરુ થઇ રહેલા યુથ મેગેઝીન માટે અપોઇન્ટ કરવા અને એ માટે વાતચીત કરવા બોલાવી હતી! હે ઇશ્વર! આ ચમત્કાર નહોતો તો શું હતું?
એ સાંજે કોફી પછી છેક ડિનર સુધી લંબાયેલી મિટીંગ પતાવીને નિખાર ઘરે આવવા નીકળી ત્યારે રસ્તામાં તે ત્રણેક કલાક ચાલેલી આ મુલાકાત અંગે વિચારતી રહી. આખરે તત્સત પણ છેલ્લા કેટલાય સમયથી પોતાના વિશે ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરી રહ્યો હતો. તે નિખારના લખાણ કરતાં તેના સૌંદર્ય અને સ્વભાવથી વધુ આકર્ષિત હતો અને કદાચ નિખાર માટે જ તેણે આ નવું મેગેઝીન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
અલબત્ત, આ મુલાકાતમાં બંને વચ્ચે પ્રેમનો કોઇ વિધિવત એકરાર નહોતો થયો, પણ વાતો કરતી વખતે એકબીજા માટેનો લગાવ, આકર્ષણ અને બોડી લેંગ્વેજથી એ સાફ હતું કે હવે એકબીજાને પ્રપોઝ કરવાની કોઇ જરૂર નહોતી.
‘સાચી દિશા’- આ નામનું મેગેઝીન બહાર પાડવાની જવાબદારી હવે તત્સતે તેને સોંપી હતી. નિખાર વિચારી રહીઃ પોતાના જીવનમાં પણ હવે તેને એક નવી દિશા મળી જ રહી હતી ને….
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)