પાણીના એ પ્રવાહે બધા ભેદ ભૂંસી નાખ્યા…

આજે પી.ટી. કોલેજના ફર્સ્ટ યરના બધાં સ્ટુડન્ટસ શહેરથી દૂર આવેલા એક સુંદર નદીકિનારાના સ્થળે પિકનિક પર આવ્યા હતા.

લગભગ પચાસેક જેટલા યુવક-યુવતીઓ મસ્તીથી પિકનિક માણી રહ્યા હતા. નદીના પ્રવાહમાં ન્હાતાં-તરતા અને એકબીજા પર પાણીની છાલકો ઉડાડતાં બધાં મજાક-મસ્તી કરી રહ્યા હતા, પણ એમાંથી એક યુવાન થોડો અલગ તરી આવતો હતો-કમલેશ. એ હાલમાં જ બાજુના સાવ નાનકડા ગામડામાંથી નવું નવું એડમિશન લઇને આવ્યો હતો. શહેરના બીજા વિદ્યાર્થીઓ એનાથી દૂર રહેતા કેમ કે એની બોલચાલની ભાષા અને પહેરવેશ એમનાથી ખૂબ અલગ હતા.

ક્યારેક એ આ બધાની મશ્કરીનો ભોગ પણ બનતો. પણ કમલેશ એ વાતને બહુ ગણકારતો નહીં. એ પણ બધાથી દૂર જ રહેતો. હશે એમ માનીને એ વિચારતો કે, આમને આમ ચાર વર્ષ નીકળી યે જશે એકલારામના!

એવામાં કોલજેની એક વિદ્યાર્થીની દિશાની બૂમ સંભળાઇ, “અરે બચાવો…. પ્લીઝ..” બધાનું ધ્યાન એ તરફ ગયું તો ખ્યાલ આવ્યો કે નદીના વહેણમાં દિશા અચાનક તણાવા લાગી હતી. બે ચાર જણાએ પાણીમાં થોડાક હાથ વીંઝીને એ તરફ જવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. પ્રવાહ અચાનક વધી રહ્યો હતો અને આ યુવાનો કાંઇ એવા તરવૈયા નહોતા. સમય ખૂબ કિંમતા હતો અને દિશા પાણીના પ્રવાહ સાથે દૂર ખેંચાતી જતી હતી.

 

દૂર કાંઠે ઊભેલા કમલેશે આ જોયું અને પળભરનો ય વિલંબ કર્યા વિના એ પોતાનો શર્ટ કાઢીને કૂદ્યો પાણીમાં. જોતજોતામાં તો એ દિશા સુધી પહોંચી ગયો અને અર્ધબેભાન અવસ્થામાં ડૂબી રહેલી દિશાને ખભે ઉંચકીને બહાર લાવી દીધી! કિનારેથી માનવસાંકળ બનાવીને દિશા સુધી પહોંચવા મહેનત કરી રહેલા યુવાનોને ય બહાર આવવામાં મદદ કરી.

આ તરફ દિશા બેભાન જેવી થઇ ગઇ હતી. એક યુવાન તરત જ ગાડી લઇ આવ્યો એટલે કમલેશ તેને ખભે ઉંચકીને જ ગાડીમાં બેસી ગયો અને દિશાના શરીરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરતો રહ્યો. નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સમયસર પહોંચી જવાથી દિશા બચી ગઇ. બધા યુવક-યુવતીઓ કમલેશ તરફ એક પ્રકારના અહોભાવથી જોઇ રહ્યા.

પાણીના એ ધસમસતા પ્રવાહે એમની અને કમલેશ વચ્ચેના બધા ભેદ ભૂંસી નાખ્યા હતા. આજથી એ પણ એમના ગ્રુપનો સભ્ય બની ચૂક્યો હતો.

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)