ગૌરી હજુ ગયા મહિને જ આ શહેરની સ્કૂલમાં ટીચર તરીકે એપોઇન્ટ થઇ હતી. તે, તેનો પતિ ગૌતમ અને દીકરી સ્વરા શહેરની બાજુમાં આવેલા નાનકડાં ગામમાં રહેતા હતા, પણ ગ્રામીણ બેંકમાં નોકરી કરતા પતિ ગૌતમની ટ્રાન્સફર હવે શહેરની એક બ્રાન્ચમાં થતા પરિવાર શહેરના એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને રહેવા આવી ગયા હતા. થોડાક સમયમાં ગૌરીને પણ ટીચર તરીકે નોકરી મળતા તેણે નોકરી શરૂ કરી હતી.
ગૌરીનો પરિવાર ગામડામાંથી આવતો હતો. શહેરની ભપકાદાર લાઇફસ્ટાઇલથી અજાણ. ગામડામાં સાદી રીતે જીવવા ટેવાયેલા હોવાથી એ લોકો ફ્લેટના અડોશીપડોશીઓ સાથે બહુ હળતા મળતા નહીં, ખાસ તો ગૌરી. વળી એ દેખાવે પણ એકદમ સીધી સાદી, લાંબો ચોટલો,ચશ્મા અને સાડી પહેરેતી એટલે ક્યારેક લઘુતાગ્રંથિ તો ક્યારેક શરમના કારણે બધા સાથે બહુ ભળતી નહીં. ભળવાનો પ્રયત્ન પણ ન કરતી.
કદાચ ગૌરી ફ્લેટના રહીશોની મોડર્ન વિચારસરણી અને રહેણીકરણીથી દૂર રહેવા માગતી હતી. પોતે કોઇની મજાકનો ભોગ ન બને એટલે એ શરમ કે સંકોચના કારણે બધાથી દૂર જ રહેતી. એની સામેના જ ફ્લેટમાં રહેતી મોનાલી એની સામે ઘણીવાર સ્માઇલ કરતી. ક્યારેક એને સામેથી બોલાવવાની ચેષ્ટા ય કરતી, પણ ગૌરી એને બહુ પ્રતિસાદ ન આપતી. ક્યારેક પતિ ગૌતમ પણ એને સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ ગૌરી પોતાના કામથી કામ રાખીને કોઇની સાથે વાત કરવાનું ય ટાળતી.
એના આ વર્તનથી એની નાનકડી દીકરી સ્વરાને બહુ લાગી આવતું. એને મનમાં સવાલ થતો કે મમ્મી પોતાને નવા ફ્લેટમાં કોઇની સાથે રમવા કેમ જવા દેતી નથી?
આજે એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં ક્રિસમસની પાર્ટી હતી. આજુબાજુના ફ્લેટવાળા બધા એની તેની તૈયારીમાં લાગ્યા હતાં, પણ ગૌરી માટે તો એમાં જવાનો સવાલ જ નહોતો. બીજા નાના છોકરાંઓને જાઇને સ્વરાને ખૂબ ઇચ્છા થઇ ગઇ પાર્ટીમાં જવાની અને એકાદવાર તેણે મમ્મીને પૂછવાનો ય પ્રયત્ન કર્યો, પણ ગૌરી એમ હા પાડે? મમ્મીનો સ્વભાવ જાણતા દીકરીએ જીદ કરવાનું ટાળ્યું.
પાર્ટીની ફૂલ તૈયારીઓ અને લાઉડસ્પીકરના અવાજ વચ્ચે અચાનક બાથરૂમમાંથી સ્વરાનો જોરજોરથી રડવાનો અવાજ સંભળાયો. બાથરૂમમાં પડી જવાથી એને સખત વાગ્યું હતું અને એ લગભગ બેહોશ થવાની અણીમાં હતી. હવે શું કરવું એ વિશે ગૌરી હજુ કંઇ વિચારે તે પહેલાં જ દરવાજો ખુલ્લો હોવાથી સામેના ફ્લેટમાં રહેતી મોનાલી દોડીને આવી. ઝડપથી સ્વરાને ઉચકીને તેણે પોતાની કારમાં બેસાડી અને હોસ્પિટલ લઇ ગઇ. ગૌતમ બહારગામ હતો એટલે તેને ફોન કરવાની ય ના પાડી.
અધૂરામાં પુરું ફ્લેટના બીજા પડોશીઓ પણ અલગ અલગ રીતે ગૌરીની મદદે લાગી ગયા. કોઇએ હોસ્પિટલમાં ટિફિન મોકલાવ્યું તો કોઇએ દવાઓ લાવી આપી. મોડી સાંજે સ્વરાને લઇને ગૌરી ઘરે આવી તો તેણે સાંભળ્યું કે, રાત્રે પાર્ટીમાં એપાર્ટમેન્ટની સૌથી નાનકડી મેમ્બર એવી સ્વરા માટે ખાસ કેક કાપીને સેલિબ્રેશન ગોઠવવામાં આવ્યું હતું!
થોડીવાર માટે તો ગૌરી અવાચક થઇ ગઇ! પોતે આ બધા લોકો માટે શું વિચારતી હતા અને આ લોકો તો કેટલા પ્રેમાળ હતા! તેને થયું કે પોતે જ આ બધાને સમજવામાં ખોટી પડી હતી…
હા, પણ આજે ગૌરી એટલું સમજી ગઇ કે સંબંધમાં કોઇએ તો પહેલ કરવી જ પડે. આ દિવસ પછી સ્વરાને રમવા માટે નવા મિત્રો તો મળ્યા જ, સાથે ગૌરીને પણ નવા મિત્રો મળ્યા હતા!
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)