એ ખજાનો દિશા પોતાનાથી અલગ કેવી રીતે કરી શકે?

“અરે દિશા, આ બધું જ ફર્નિચર નવું કરાવીએ છીએ તો તારી અલમારીની જગ્યાએ પણ એક વોર્ડરોબ કરાવી દઇએ?”

દિશાએ આમ તો આ વાત પર ખુશ થવું જોઇતું હતું, કારણ કે ઘરમાં દરેક જૂના સામાન અને ફર્નિચરની જગ્યાએ નવું લેટેસ્ટ ફર્નિચર કરાવવાનું સૂચન તો તેનું જ હતું.‌ છેલ્લા ત્રણેક વર્ષથી તે આ વાત એ આગ્રહ કરતી હતી.‌ પણ આજે આ અલમારી કાઢવાની વાત આવી તો તેણે ના પાડી દીધી! એ કાંઈ એમ કાઢી થોડી નખાય?

એ અને કુશલ અહીં પાંચેક વર્ષથી રહેતા હતા. લગ્ન પછીનું નવજીવન પણ અહીં જ તો શરૂ કરેલું. દિશા ખૂબ જ સમજુ અને બોલ્ડ વિચારોવાળી યુવતી. કુશલ પણ તેના આ સ્વભાવને ખૂબ વખાણતો. પણ આજે જ્યારે અલમારી કાઢવાની વાતે દિશા ગુસ્સે થઇ ત્યારે કુશલ પણ ચોંકી ગયો. તેને નવાઈ લાગી, પણ હશે.. પછી મનાવી લઇશ એમ વિચારીને તેણે વાત પડતી મૂકી.

એ પછી પણ જ્યારે તેણે સીધી કે આડકતરી રીતે આ વાત કાઢી‌ ત્યારે દિશા અચાનક ગુસ્સે થઇ ગઈ. આ અચરજની વાત હતી. એ કાટ ખાઇ ગયેલી, હેન્ડલ તૂટેલી વર્ષો જૂની લોખંડની અલમારીનો શું મોહ હશે દિશાને? એ કેમ માનતી નથી? ના પાડે એ તો ઠીક પણ ગુસ્સે કેમ થઈ જાય છે? કેમ કશું કહેતીયે નથી?

પણ એક દિવસ કુશલ અચાનક‌ રૂમમાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામી ગયો. દિશા સ્ક્રૂડ્રાઇવર લઇને અલમારીની ડાબી બાજુના દરવાજાની અંદરની તરફ આવેલું પતરાનુ ઢાંકણું ખોલવા મથી રહી હતી. કાટ ખાઈ ગયેલો સ્ક્રુ ન ખુલવાથી પરેશાન દિશા રડી પણ રહી હતી.

આ શું છે દિશા? કુશલ એ પૂછ્યું ત્યારે દિશાએ દરવાજાની અંદર આવેલા એક ઢાંકણા તરફ ઈશારો કર્યો. બંધ ઢાંકણામાં ઉપરથી એક બે કે પાંચ રૂપિયાના સિક્કા સેરવી શકાય એટલી જગ્યા હતી. એમ કહો કે આ એક પ્રકારનો ચોરગલ્લો હતો! આખો ગલ્લો ભરાઈ જાય ત્યારે સ્ક્રુ ડ્રાઇવર થી ઢાંકણું ખોલી અંદર નાખેલા સિક્કા અને નોટો કાઢી લેવાની!

વાહ! કુશલ હસી પડ્યો અને બોલ્યો,”અરે ગજબ છે તારો ગલ્લો તો ભાઇ! કોઇને ખબર ય ન પડે હોં!”

કુશલ એ વાતથી અજાણ હતો કે આ અલમારી અને ખાસ કરીને જૂના જમાનાની આ પિગીબેન્ક સાથે દિશાની લાગણીઓ જોડાયેલી હતી. આ એ જ અલમારી હતી જ્યારે દિશાના પપ્પા રોજ સવારે ઓફિસ જાય ત્યારે તેને જે એક સિક્કો આપતા તે આ અલમારીના પિગીબેન્કમાં સરકતો. દિશા ખુશીથી નાચતી. પપ્પાને ખૂબ વહાલી આ દીકરી નાનપણમાં એવું વિચારતી કે, આ બધા પૈસા હું ભેગા કરીશ. પછી મોટી થઇશ ત્યારે એમાંથી પપ્પા માટે એક મોટી ગાડી લઇશ જેથી એમને ચાલતાં ઓફિસ ન જવું પડે!

દિશા માટે આ ખજાનો ખૂબ વ્હાલો અને ખૂબ મહામૂલો. પછી તો દિશા મોટી થઇ. લગ્ન કરીને તે સાસરે આવી ને પેલી તિજોરીય સાથે લાવી. તેના પપ્પાનું તો થોડા સમય પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ થયું પણ એમની યાદગીરીમાં દિશાએ હજુ પણ એ પિગી બેન્કમાં પરચુરણ અને નાની નોટો નાખવાનું ચાલુ રાખેલું! પપ્પા તો હવે હતાં નહીં, પણ તેમની અનમોલ યાદગીરી સમી અલમારી અને તેનો ખજાનો તો હતો ને!

હવે એ ખજાનો દિશા પોતાનાથી અલગ કેવી રીતે કરી શકે?

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)