કબીરના મતે કળિયુગનું પ્રમાણ શું?

યહ કલિયુગ આયો અબૈ, સાધુ ન માને કોય,

કામી, ક્રોધી, મસખરા, તીન કી પૂજા હોય.

 

સાંપ્રત સમયની વિટંબણા કહો કે વિષમતા કહો – સાચાને સહન કરવાનું અને જૂઠાની બોલબાલા. કબીરજી આને કળિયુગનું પ્રમાણ માને છે. સમાજમાં ધર્મની ધૂરા સંભાળતા મહાનુભાવોમાં કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ પ્રચુર માત્રામાં હોય છે તેવા અનુભવ વારંવાર થાય છે.

કબીરના વચનમાં કટાક્ષ અને કરુણાનું અજબ સંમિશ્રણ હોય છે. કબીરજી વ્યક્તિ કરતાં સમયનો દોષ જુએ છે. સાથે સાથે સહાનુભૂતિ પણ દર્શાવે છે. સાધુની પૂજાને બદલે ઉપેક્ષા થાય પણ ઢોંગીને આદર મળે. અંધશ્રદ્ધા દ્વારા કામી – ક્રોધી અને કુમાર્ગીને દેવ સમાન માની લેવાની વૃત્તિ સામે કબીરજી સમાજને લાલ ઝંડી બતાવી રૂક જાવ એમ કહે છે.

ધર્મને ધંધો બનાવવાની કળા વિકસે તે સમય કળિયુગ, જેમનામાં જોઈ શકાય તેવા અનેક દોષો હોય તેમના માટે પૂજ્ય ભાવ સેવવો તે ઈશ્વરનું અપમાન છે. ગાંધીજીએ વ્યક્તિ કે મૂર્તિમાં નહીં પણ સત્યમાં જ ઈશ્વરદર્શન કર્યું તે યથાર્થ છે, અનુકરણીય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)