કબીરના મતે પ્રેમ એટલે?

 

પ્રેમ બિના જો ભક્તિ હૈ, સો નિજ દંભ વિચાર,

ઉદર ભરન કે કારણ, જન્મ ગંવાયે સાર.

 

કબીરજી દ્વારા પ્રેમ શબ્દની વ્યાખ્યા અતિ વિશાળ છે. હકીકતમાં તેમની સાખીમાં અદ્વૈતનો પર્યાય પ્રેમ બની જાય છે. સર્વ જીવોમાં સમદૃષ્ટિ રાખી મામકા અને પરાયાનો ભેદ ન કરવો તે સાચી ભક્તિ માટે જરૂરી છે. મોહ, મદ અને લોભ છૂટ્યાની નિશાની વિશ્વવ્યાપી પ્રેમ છે.

પ્રેમનો અર્થ સંસારમાં આસક્તિના અર્થમાં થાય છે. પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા અને સંતતિ વચ્ચે પારિવારિક બંધનો છે. તેમાં ચઢ-ઉતાર આવે છે. સમષ્ટિ માટે જેને પ્રેમ છે તે જ સાચા સંત-મહાત્મા છે.

પ્રેમ વિનાની ભક્તિ દંભ છે, કારણ કે સ્વ ઓગળી ન જાય – સર્વમાં રામ અને શિવનાં દર્શન ન થાય તો જીવનમાં સાર પ્રાપ્ત થતો નથી. આવી ભક્તિ પેટ ભરવાની પ્રવૃત્તિથી વિશેષ નથી. કબીરજીનો મત સ્પષ્ટ છે કે, જગતનું કલ્યાણ કરે તે શિવ અને સર્વ દુઃખોનું હરણ કરી લે તે હરિ છે. અસારને સાર માનીને સંસારમાં ભટકતા રહેવું તે દુઃખનું કારણ છે. ઇચ્છાપૂર્તિથી સુખ પ્રાપ્ત થાય તો પણ તે અસાર અને અસ્થાયી સાબિત થાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)