કબીર લૌંગ ઈલાયચી, દાતુન માટી પાનિ, કહૈ કબીર સંતનકો, દેત ન કી જૈ કાનિ. |
આજના સાધુનો વૈભવ, મઠનો વહીવટ અને ભક્તોની અંધશ્રદ્ધા જોઈને કોઈ પણ વિચારવંત વ્યક્તિ નાસ્તિક બની જાય તો નવાઈ પામવા જેવું નથી. સાધુકાર્ય કરવામાં જરૂરિયાતો ઘટાડવી જ પડે. ભોગની જગ્યાએ ત્યાગ, પરિગ્રહની જગ્યાએ દાન અને લાલસાની જગ્યાએ સંતોષ ન આવે તો આપણી કહેવત મુજબ “બાવા ના તો બેય બગડયા” ન ઘરના કે ન ઘાટના જેવો ખેલ થાય. ન તો ગૃહસ્થાશ્રમ દીપે અને ન તો સંન્યસ્ત શોભે તેવી દયાજનક સ્થિતિથી વાકેફ કબીરજીની સલાહ ધ્યાને ધરવા જેવી છે.
તેઓ ભક્તોને ઉદેશીને કહે છે કે, “દાતણ, માટી, પાણી, લવિંગ અને ઇલાયચી રૂપી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે સંતોને આપવામાં કોઈ કચાશ ન રાખવી.”
શંકરાચાર્યે કહ્યું છે તેમ ભગવા કપડાં ભોગનું માધ્યમ ન બને તેની કાળજી ઉભય પક્ષે રાખવી રહી. આપણા દેશમાં સાધુ સહિત અનેક પરોપજીવી વર્ગ છે. ભગવદ્ ગીતા પ્રમાણે યજ્ઞ વિના (પુરુષાર્થ કર્યા વિના) અન્ન આરોગવું તે ચોરી છે. પરોપજીવીઓએ મર્યાદિતતા જરૂર રાખવી.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
