કબીરજી ખરાબ સ્વભાવની વ્યક્તિની સરખામણી કોની સાથે કરે છે?

 

સાકટ સૂકર કુકરા, તીનોં કી ગતિ એક,

કોટિ જતન પરમોધિયે, તઉ ન છોડે ટેક.

 

ઘણી વખત સજ્જનો પોતાની શક્તિમાં વિશ્વાસ રાખી દુર્જનોને સુધારવાના શુભ હેતુથી તેમની સાથે દોસ્તી કરે છે. ગાંધીજીને પણ આવા પ્રસંગે કડવા અનુભવો થયા હતા. સંતની પ્રકૃતિ કરુણાસભર હોવાથી તે દુર્જનોની હરકતો નજરઅંદાજ કરે છે. તેને સુધારવાની આશા છોડતા નથી.

કબીરજી વ્યવહારકુશળ છે. વ્યક્તિ અને સમાજને ઝીણી નજરે જુએ છે. આદર્શ કરતાં અનુભવને ધ્યાને લે છે. ખરાબ સ્વભાવની વ્યક્તિની સરખામણી ભૂંડ અને કૂતરાં સાથે કરે છે. ભૂંડ ગંદકીમાં રાચે છે. ગમે તેવા નિર્મળ વાતાવરણને પ્રદૂષિત કરી શકે છે. કૂતરો વફાદાર હશે. તેને તાલીમ આપી શકાય છે પણ ક્યારે સ્વભાવગત તે માલિક કે તેના મહેમાનને કરડશે તે નક્કી નથી.

કબીરજીની અનુભવવાણી છે કે, આવી પ્રકૃતિમાં સુધારો કરવા કરોડો વખત પ્રયત્ન કરો પણ પરિણામ આવતું નથી. યુવાનો માટે સંગનો રંગ લાગવો સહજ છે. અંગ્રેજીમાં કહેવત છે કે, “વ્યક્તિ તેના સંગથી ઓળખાય છે.” તેથી જ સત્સંગનું મહત્ત્વ છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)