કબીરવાણી: ભવમાંથી મુક્તિ સુધીનો માર્ગ

 

જા ઘર પ્રેમ ન સંચરૈ, સો ઘટ જાનુ મસાન,

જૈસે ખાલ લુહાર કી, સાસ લેતે બિન પ્રાણ.

 

ચોરાસી લાખ યોનિમાંથી પસાર થતા જીવને માનવજન્મ મળે છે તે અનોખો અવસર છે. માનવીમાં જ્ઞાન-ભક્તિનો સંગમ થાય તો તે મોક્ષનો અધિકારી બની શકે. જે વ્યક્તિ જીવનનો સાચો અર્થ નથી સમજતી તે અનેક વિટંબણામાં અટવાય છે.

જો માણસ સમષ્ટિને પ્રેમ ન કરી શકે અને સ્વાર્થ-મોહમાં રચ્યોપચ્યો રહે તો તેનો દેહ મસાણ-સ્મશાનભૂમિ સમાન જાણવો. જેમ મસાણ દેહને અગ્નિથી ભસ્મ કરે છે તેમ સ્વમાં પરોવાયેલ મનુષ્ય જીવનને નિરર્થક બનાવી દે છે.

અન્ય સાખીઓની જેમ કબીરજી દેશના કારીગરોના રોજબરોજના કામમાં પણ ગૂઢ સંદેશ નિહાળે છે. ક્યારેક વણકર તો ક્યારેક કુંભાર, સોની, સુથાર જેમ આ સાખીમાં લુહારની કોઢની ઉપમા આપે છે.

લોઢું પીગળાવવા માટે આગને હવા આપતી ધમણ આપણા ફેફસાં જેમ ચાલે છે. ફેફસાં પ્રાણવાયુ ગ્રહણ કરે છે. ધમણ જીવંત નથી તેથી તે હવા ફૂંકે છે પણ પોતે પ્રાણહીન છે. મનુષ્યે જીવંત રહી ભવ સુધારવાનો છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)