કબીરવાણી: જીવન, યુવાવસ્થા, સત્તા અને ગર્વનો નાશ નિશ્ચિત છે

 

જીવન, જોબન, રાજ મદ, અવિચલ રહે ન કોય,

જુ દિન જાય સત્સંગમેં, જીવન કા ફલ સોય.

 

‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’ જેવા લોકગીત જેવી આ સાખી ક્ષણભંગુર સંસારની હકીકત કહે છે. કોઈ લાંબું જીવે કે કોઈ ટૂંકું જીવે – જન્મ અને મરણ વચ્ચેનો સમય એટલું જીવન શાશ્વત તો નથી જ. યુવાનીનાં વર્ષો સતત પ્રવૃત્તિમાં વીતી જતાં સમયનો ખ્યાલ રહેતો નથી.

જરા-વૃદ્ધત્વની સમસ્યાથી ઘેરાઈ જઈએ ત્યારે યુવાનીમાં વેડફેલો સમય યાદ કરીએ તો તે સમય પાછો આવતો નથી. તે જ રીતે રાજસત્તા કોઈની હંમેશાં રહેતી નથી. પૃથ્વી જેમ ભ્રમણ કરે છે તેમ સત્તાપરિવર્તનો થતાં રહે છે.

માનવીને ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિઓનું પણ અભિમાન થાય છે. કબીરજી કહે છે કે, સતત પરિવર્તનશીલ પરિસ્થિતિમાં જીવન, યુવાવસ્થા, સત્તા અને ગર્વનો નાશ નિશ્ચિત છે ત્યારે સત્સંગમાં જે સમય જાય તે જ જીવનનું સાચું ફળ છે.

આ સાખીમાં મૂળ વાત વિવેકની છે. આશાઓના મૃગજળ પાછળ દોટ મૂકીએ અને કાંઈક પ્રાપ્ત થયું તેનો ગર્વ કરીએ પણ આ ચીજો ઝાંઝવાનાં જળ જેવી છે, અવાસ્તવિક અને અસ્થાયી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)