કબીરવાણી: ગુરુની શોધ કરવી તે આપણું કર્તવ્ય છે

સતગુરુ હમસોં રિઝિ કૈ, કહયો એક પરસંગ,

બરષે બાદલ પ્રેમ કો, ભીંજિ ગયા સબ અંગ.

 

સદગુરુની કૃપા થાય છે ત્યારે બેડો પાર થઈ જાય છે. એક નાનો પ્રસંગ કે ઉપદેશ જીવનની રાહ બદલી નાખે છે. રામકૃષ્ણ પરમહંસની વાણી કે સ્પર્શમાત્રથી વ્યક્તિની વિચારધારા પરિવર્તિત થયાના પ્રસંગો અનેક છે. પુસ્તકો વાંચવાથી, જાપ કરવાથી, દાન કરવાથી, સેવારત રહેવાથી લાભ જરૂર થાય છે પણ સમગ્ર વ્યક્તિત્વમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે ગુરુ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે છે.

અજ્ઞાનનો અંધકાર જ્ઞાનજ્યોતથી દૂર કરનાર સદગુરુનો પ્રભાવ અમાપ છે. તેની પ્રેમવર્ષામાં શિષ્ય તરબોળ થઈ જાય છે. પાણીથી જેમ મેલ ધોવાય છે તેમ સંતકૃપાથી સંશય ટળે છે. સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થતાં આત્મતૃપ્તિ થાય છે. કબીરજી કહે છે કે, એકવીસ બ્રહ્માંડ, ત્રણ લોક, સાત દ્વીપો કે નવ ખંડોમાં સદગુરુ જેટલું કોઈ મૂલ્યવાન નથી.

ગુરુ શિષ્યના દોષનિવારણ માટે જ્ઞાનરૂપી તીરો દ્વારા હૃદયના અંધકારને વિંધી નાખે છે. સમગ્ર શરીરમાં ચેતનાનો સંચાર થાય છે. માતા- પિતા – ભાઈ-બહેન- પતિ કે પત્નીના સબંધો તો સમાજની વ્યવસ્થામાં છે પણ ગુરુની શોધ કરવી તે આપણું કર્તવ્ય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)