ઉદર સમાતા અન્ન લે, તનહિ સમાતા ચીર, અધિકહિં સંગ્રહ ના કરે, તિસકા નામ ફકીર. |
અપરિગ્રહનું મહત્ત્વ દરેક ધર્મમાં દર્શાવ્યું છે. જૈન સાધુઓ તદ્દન અપરિગ્રહી રહી આત્મકલ્યાણના માર્ગે ચાલે છે, પ્રેરણા આપે છે. ઈશુ કહે છે કે, સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે પણ તવંગર માટે સ્વર્ગનો માર્ગ સાંકડો પડે છે. ઈસ્લામમાં જકાત-દાન દ્વારા ગરીબ અસહાય બંધુઓ- ભગિનીઓને મદદ કરવા આદેશ છે. ઉપનિષદ- તેન ત્યક્તેન ભુ:જીથાનો ઉપદેશ આપે છે.
પરિગ્રહ હિંસાનું મૂળ છે. કબીરજી ભારતીય સંસ્કારો પ્રમાણે જરૂર પૂરતાં અન્ન, વસ્ત્ર લેનારને વૈરાગી ફકીર કહે છે. ફિકરની ફાકી કરે સૌ ફકીર – જેની વૃત્તિમાં અપરિગ્રહ હોય તેના માટે ત્યાગ સહજ બને છે. પરિગ્રહ ન હોય તો ડર શેનો? અભય અને અહિંસા અપરિગ્રહથી સરળ અને સહજ બને છે. જરૂરથી વધારે સંગ્રહ કરવાની વૃત્તિ મૂડીવાદ છે.
આમાં અનેક જોખમો રહ્યાં છે. આર્થિક વિકાસની દોટમાં મૂલ્યોનો ધસારો થાય છે. ફકીરી અવસ્થામાં આત્માથી આત્મા સંતુષ્ટ રહે, સ્થિર આનંદમાં રહે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)