સાધુ મિલે યહ સબ ટલે, કાલ-જાલ-જમ ચોટ, શીશ નવાવત ઢહિ પરે, અદ્ય પાપન કે પોટ. |
માનવીના જીવનમાં જન્મ-રાગ-વૃદ્ધાવસ્થા અને મરણની ઘટમાળ નિશ્ચિત છે. જીવનમાં સુખ અને દુઃખ અતૂટ રીતે જોડાયેલ છે. સંઘર્ષ, પુરુષાર્થ અને અરસપરસના સહયોગ વિના માનવ- જીવનનું અસ્તિત્વ કલ્પી શકાતું નથી.
આવાં સ્પષ્ટ સત્યોને નજરમાં રાખી કબીરજી કહે છે કે, સારા સાધુ દ્વારા મૂળભૂત વસ્તુનું જ્ઞાન-સમજ પ્રાપ્ત થાય તો કાળ, માયાના આવરણની જાળ અને મૃત્યુ એમ ત્રણ દ્વારા થતી ગ્લાનિ ટાળી શકાય છે.
કાળની ગતિ અવિરત છે. રોજબરોજના જીવનમાં આસક્તિ હોવી તે સહજ છે. મૃત્યુનો ડર પણ હોય છે. સત્સંગથી અભય, અનાસક્તિ અને વૈરાગ્ય કેળવાય છે. દિનચર્યામાં થતાં દોષો અને સંચિત કર્મનાં નકારાત્મક પાસાઓ સંતના આશિષ પ્રાપ્ત થતાં દૂર થાય છે.
શિષ્યે, સાધકે કે મુમુક્ષે આ માટે શ્રદ્ધા અને નમ્રતાના ગુણો કેળવવા જોઈએ. આપણી સંસ્કૃતિમાં પ્રણામ-નમન પાછળ ઉચ્ચ ભાવનાઓ રહેલી છે. દરેક વ્યક્તિમાં બિરાજમાન ઈશ્વરને વંદન કરી આપણે સામી વ્યક્તિ માટે આદર વ્યક્ત કરીએ છીએ. આથી સંબંધો અને વાતાવરણ શુદ્ધ બને છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
