નામ રસાયન પ્રેમ રસ, પીવત અધિક રસાલ, કબીર પીવન દુર્લભ હૈ, માગે શીશ કલાલ. |
ભક્તિમાર્ગમાં કર્મકાંડ, વેશ, બાહ્યા આડંબરનું મહત્ત્વ ઓછું છે. જાપનું મહત્ત્વ વિશેષ છે. નામ-જાપ માટે ગુરુ નાનકે પણ એ જ ઉપદેશ આપ્યો છે. દરેક ધર્મમાં જાપ-સ્તવન કરવા કહ્યું છે, કારણ કે તેના દ્વારા ચિત્તના તરંગો શાંત થાય છે.
યોગ સંબંધી વૈજ્ઞાનિક અભ્યાસના તારણો પણ એ જ છે કે શાંત સમાધિ દ્વારા મનના તરંગો ધીમા પડી જાય છે. આથી જ કહ્યું છે કે, કળિયુગમાં પ્રભુપ્રાપ્તિનો સરળમાં સરળ માર્ગ નામ-જાપ છે. મનની શાંતિ માટે પણ જાપ-સ્મરણ ઉપયોગી છે.
મન જ્યારે ઈચ્છાના આવેગમાં તણાય છે ત્યારે તેને ગતિ કે દિશાનો ખ્યાલ નથી રહેતો. આજના ઝડપી પરિવર્તનના સમયમાં ઈશ્વર- સ્મરણ દ્વારા જીવનને સાર્થક કરી શકાય છે. કબીરજી નામરસાયણ પીવામાં આવતી મુશ્કેલી દર્શાવવા દુર્લભ શબ્દ વાપરે છે.
આ કામ અલભ્ય નથી પણ તે પામવા માટે મદિરા વેચતો કલાલ જેમ દારૂ માટે પૈસા માગે છે તેમ પ્રભુસ્મરણ સાથે સમર્પણ માગે છે. આ માટે ત્યાગ સાથે સર્વસ્વ છોડવાની તૈયારી દર્શાવવાના હેતુથી કબીરજી માથું ધરી દેવાનું આહ્વાન કરે છે. ભક્તિ એ તો શીરતણું છે સાટુ.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
