કબીરના મતે ભક્તિ કરવી એટલે…

 

કામી, ક્રોધી, લાલચી, ઈનતે ભક્તિ ન હોય,

ભક્તિ કરૈ કોઈ સૂરમા, જાતિ બરન કુલ ખોચ.

 

ભક્તિ કરવી એટલે ખાંડાની ધાર પર ચાલવું. જરાક ગફલત થાય તો સાપ-સીડીની રમત જેમ નીચે આવી જવાય. કામ, ક્રોધ, લાલચ અજગરના મોઢા જેવા છે. તેમાં ઝડપાયા તો તે આખા જ ગળી જાય છે. આથી જ કબીરજીની દૃઢ માન્યતા છે કે, તેઓ ભક્તિ કરી શકતા નથી.

ભક્તિ માટે શૂરવીર હોવું જરૂરી છે. ઈન્દ્રિયો ઉપર અને તેની વિકૃતિઓ પર વિજય મેળવે તે વીર છે. કામના કારણે આવેગયુક્ત વાસના જન્મે છે. તેને નિયંત્રિત ન કરીએ તો તેનાં માઠાં પરિણામો આવે છે.

ક્રોધ તો અગ્નિસમાન છે. તેના કારણે સંબંધો ભસ્મીભૂત થઈ જાય છે. વિવેક પણ ચૂકી જવાય છે. લાલચ બૂરી ચીજ છે, તે માણસને મજબૂર બનાવે છે. સંતોષથી મળતું સુખ છીનવાઈ જાય છે. ભક્તિમાં ઐક્યભાવ જરૂરી છે તેથી જાતિ, વર્ણ કે કુળનું કોઈ મહત્ત્વ નથી. આ તો માણસ માણસ વચ્ચે ભેદની અભેદ્ય દીવાલ ચણે છે.

આપણા દેશની પીછેહઠમાં સામાજિક વિષમતા અને ઉચ્ચ-નીચના ભેદભાવ જવાબદાર છે. રાજ્ય બંધારણ સમાનતાની બાંયધરી આપે છે પણ વાસ્તવિકતા જુદી છે. તું નાનો, હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)